કળિયુગમાં સતયુગનાં દર્શન : સંતાનોને પોતાના મા-બાપની સેવા કરવાની શીખ આપતો પુત્ર
મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના હિનૌતા ગામના બરગી સંકટમોચન ધામથી પંદર વર્ષ અગાઉ આંધળી માતાને કાવડમાં બેસાડી પગપાળા યાત્રાએ નીકળેલા કળિયુગના શ્રવણનું બુધવારે રાધનપુરમાં આગમન થતાં શ્રદ્ધાળુઓએ તેમની ચરણ રજ લઇને આશીર્વાદ મેળવ્યા હતા. દરેક પુત્રોએ પોતાના મા-બાપની શ્રવણની જેમ સેવા કરવી જોઇએ તેવું તેમણે જણાવ્યું હતું.
જબલપુરના હિનૌતા ગામના વતની ૩૯ વર્ષિય કૈલાસપુરી બ્રહ્નચારી નાના હતા, ત્યારે ઝાડ પરથી પડી ગયા હતા અને તેમનો અદ્ભૂત બચાવ થયો હતો. ત્યારે જ તેમણે ૮પ વર્ષિય (હાલ) માતાજી કિર્તીદેવીને કાવડમાં બેસાડી દેશના ચાર ધામની પગપાળા યાત્રા કરીને દર્શન કરાવવાની નેમ લીધી હતી. તેમણે ૧પ વર્ષ ૮ મહિના અને ૨૪ દિવસ પહેલાં યાત્રા શરૂ કરી હતી.
સૌ પહેલા કાવડમાં માતાજીને બેસાડી નર્મદા મૈયાની પરિક્રમા કરી હતી. ત્યાર બાદ કાશી, ચિત્રકૂટ, રામેશ્વર, તિરૂપતિ બાલાજી, જગન્નાથપુરી, ગંગાસાગર, તારાપીઠ, વૈજનાથ ધામ, જનકપુરી, નેપાળ, બદ્રીનાથ, કેદારનાથ, રાજસ્થાનમાં પુષ્કરના દર્શન કરાવી ગુજરાતની સીમામાં પ્રવેશ કર્યો હતો. ગુજરાતમાં તેઓ દ્વારકામાં માતાજીને દર્શન કરાવ્યા બાદ પોતાની યાત્રા પૂરી કરી વતનમાં પરત ફરશે.
રાધનપુરમાં તેમણે આનંદ ઇન્ડસ્ટ્રીઝમાં કનુભાઇ ઠક્કરના ત્યાં વિસામો કર્યો હતો. જ્યાં કળિયુગના શ્રવણના દર્શન કરવા અસંખ્ય શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
મારા દીકરાનું કહેવું કોણ માનશે...
શ્રવણ કૈલાસપુરીએ જણાવ્યું હતું કે, તેમને જોઇને જો કોઇ પુત્ર પોતાની માતા-પિતાની સેવા કરવાનો સંકલ્પ કરશે તો તેમની પદયાત્રા સફળ થઇ તેમ માનશે. કોઇને સુખ આપશો તો તમને સુખ મળશે. કોઇને દુ:ખી કરશો તો તમને પણ માત્ર દુ:ખ જ મળશે. જોકે, આ વાત કોઇ માનતું નથી તો તેમના દીકરાની લાગણીની કોણ નોંધ લેશે તેવો સવાલ તેમનાં માતાએ કર્યો હતો.