Monday, 8 August 2011

ઓઝિલ ટેક્નોલોજીથી ઓઝલ થતો મોતિયો

 
પહેલાં મોતિયાના ઓપરેશનમાં ટાંકા લેવા પડતા હતા. ફેકો પદ્ધતિમાં મોતિયાનું ઓપરેશન ટાંકા વિનાનું થવા લાગ્યું, પરંતુ તે દ્વારા થોડા ઘણા અંશે આંખમાં થતી વિવિધ તકલીફોને દૂર કરવા એક નવી ટેક્નોલોજીનો આવિષ્કાર થયો. જેને ઓઝિલ ટેક્નોલોજી કહે છે. આ પદ્ધતિથી આંખને નુકસાન થવાની શક્યતાઓ નહિવત્ છે.

આપણે જાણીએ છીએ કે ફેકો પદ્ધતિથી મોતિયાનું ઓપરેશન કર્યા બાદ પણ ક્યારેક કેટલાક દર્દીને લાંબા સમય સુધી આંખમાં દુખાવો રહે છે અને આંખો લાલ રહે છે. તેમાં ખાસ પથ્થરિયા મોતિયા બાદ આવી તકલીફ જોવા મળે છે અને ક્યારેક ત્રાંસો નંબર પણ આવી જાય છે. આ બધી તકલીફોનો એક રામબાણ ઇલાજ છે ઓઝિલ ટેક્નોલોજી. આવો આપણે થોડું મોતિયા વિશે અને તેના ઓપરેશન વિશે જાણીએ જેથી આપણને ખબર પડે કે કેમ ફેકો પદ્ધતિમાં પણ આપણને ક્યારેક તકલીફ પડે છે.

ઓઝિલ ટેક્નોલોજીમાં નીડલ આગળ-પાછળ થતી નથી પરંતુ તે ગોળ ગોળ ફરે છે, જેથી ઘા પર ઝડપથી રૂઝ આવે છે.

આંખની અંદર આવેલો કુદરતી મણિ ઝાંખો પડે તેને મોતિયો કહેવાય. મોતિયો સામાન્ય રીતે મોટી ઉંમરની વ્યક્તિને થાય છે. મોટી ઉંમરે થતા મોતિયામાં પથ્થરિયો મોતિયો મુખ્યત્વે હોય છે અને જેમ વધારે સમય રાહ જોઇએ તેમ તે વધારે કડક થતો જાય છે અને બ્રાઉન કલરનો મોતિયો થઇ જાય છે. મોતિયાના ઓપરેશનમાં સમયાંતરે ફેરફાર થતા રહ્યાં છે. પહેલાં મોતિયાના ઓપરેશનમાં ટાંકા લેવા પડતા હતા. ફેકો પદ્ધતિમાં મોતિયાનું ઓપરેશન ટાંકા વિનાનું થવા લાગ્યું. પછી એમાં સુધારો થતાં ઇંજેકશન વગર મોતિયાનું ઓપરેશન થવા લાગ્યું પરંતુ તેમાં આ પથ્થરિયા મોતિયામાં ફેકો પદ્ધતિથી કેટલીક વખત મોતિયો ઓગાળવામાં ઘણી એનર્જી વાપરવી પડે છે. ફેકો પદ્ધતિમાં બોલપેનની રિફિલ જેટલી જાડી નીડલ આગળ-આગળ જવાથી મોતિયો ઓગળે છે અને તે ઓગાળેલો મોતિયો પંપ દ્વારા ખેંચી કાઢવામાં આવે છે. આ પદ્ધતિમાં નીડલ જ આગળ અને પાછળ થાય છે એટલે કે જ્યારે નીડલ આગળ જાય છે ત્યારે મોતિયો ઓગળે છે, પરંતુ જ્યારે નીડલ પાછી જાય છે ત્યારે મોતિયો ઓગળતો નથી. આ નીડલ આગળ અને પાછળ થાય ત્યારે તેમાંથી ગરમી (હીટ) પેદા થાય છે. આમ નીડલ પાછી આવે ત્યારે પણ ગરમી પેદા થાય છે, પરંતુ તે કામમાં નથી આવતી. આથી જ્યારે પથ્થરિયો મોતિયો ઓગાળવામાં પચાસ ટકા હિટ વેડફાઇ જાય છે અને તેનાથી ઘા પર રૂઝ આવવામાં વાર લાગે છે અને તેનાથી આંખમાં સોજો વધારે વખત રહે છે.

આના ઉપાય રૂપે ઓઝિલ ટેક્નોલોજીનો આવિષ્કાર થયો. જેમાં નીડલ આગળ-પાછળ થતી નથી પરંતુ તે ગોળ ગોળ ફરે છે. જેનાથી જ્યારે જમણી બાજુ કે ડાબી બાજુ નીડલ ફરે તેમાં બંને વખત મોતિયો ઓગળતો જાય છે આથી પચાસ ટકા ગરમી બચે છે અને ઘા રૂઝવામાં મદદ થાય છે. આ ઉપરાંત તેમાં નવો આવિષ્કાર થયો છે જે કેલમેન ટીપ છે. આ કેલમેન ટીપ જે આગળથી થોડી વળેલી હોય છે. જેનાથી ઓઝિલ પદ્ધતિમાં ઘણો જ ફાયદો થાય છે. જેમાં કેલમેન નીડલ જ્યારે ગોળ ગોળ ફરે છે ત્યારે તેમાં વધારે અસરકારક રીતે મોતિયો ઓગળે છે. જેથી મોતિયો ઓગાળવાની ઓઝિલ પદ્ધતિમાં ફકત પાંચ ટકા જ જેટલી ગરમી પેદા થાય છે. આથી આ ઘા દાઝી જતો નથી અને આથી ઝડપી રૂઝ આવે છે. આના પરિણામે મોતિયાને ઓઝિલ પદ્ધતિથી દૂર કરવામાં ચશ્માંના ત્રાંસા નંબર આવવાની શક્યતા નહિવત્ થઇ જાય છે. ઉપરાંત ઓઝિલ ટેક્નોલોજીમાં તદ્દન નવા જ પ્રકારના પંપથી ઓગળેલ મોતિયો દૂર કરવાથી તેમાં આંખની અંદરનું દબાણ વધારે વધઘટ થતું નથી. જેથી મોતિયો ઘણો જ સલામત રીતે ઓગાળીને કાઢી શકાય છે. આથી પાછળની ગાદીને નુકસાન થવાની શક્યતા પણ નહિવત્ થઇ જાય છે.

આમ ઓઝિલ ટેક્નોલોજીથી ગમે તેટલા પણ કડક (બ્રાઉન) મોતિયા ઘણા જ સલામત રીતે અને સરળતાથી ઓગાળીને કાઢી શકાય છે. આ ટેક્નોલોજીના લીધે નવો નેત્રમણિ મૂકવામાં પણ સરળતા રહે છે અને તેનું પરિણામ પણ ઘણું જ સારું રહે છે.

ઓઝિલ પદ્ધતિમાં અનેક ફાયદા થાય છે જેમ કે રૂઝ જલદી આવે છે. જેથી દર્દી ઝડપથી પોતાનું રોજિંદું જીવન જીવતો થઈ શકે છે. ઓઝિલ પદ્ધતિમાં છિદ્ર નાનું હોવાથી અને રૂઝ જલદીથી આવવાથી ચેપ લાગવાની શક્યતા નહિવત્ થઇ જાય છે. આ ફાયદો ડાયાબિટીસના દર્દી અથવા જેને ઇન્ફેકશન લાગે છે તેવા દર્દીને ઘણી રાહત આપે છે. બીજો ફાયદો એ છે કે છિદ્ર નાના હોવાથી મોતિયાના ઓપરેશન બાદ ચશ્માંનો નંબર જેમ કે સિલેન્ડિ્રકલ નંબર આવવાની શક્યતા ઘણી જ ઓછી થઇ જાય છે. તેનાથી મોતિયાના ઓપરેશન બાદ ચશ્માંની જરૂરિયાત તદ્દન નહિવત્ થઇ જાય છે. નવા પ્રકારના નેત્રમણિમાં ટોરિક નેત્રમણિ અને મલ્ટિફોકલ નેત્રમણિ આવે છે. જેમાં ચશ્માંના નંબર (દૂર તથા નજીક)ના કાયમ માટેથી છુટકારો મળે છે. આ ઉપરાંત મલ્ટિફોકલ નેત્રમણિથી દૂર તથા નજીકની દ્રષ્ટિ ચોખ્ખી થાય છે તે પણ ચશ્માંના નંબર વિના મોટી ઉંમરની વ્યક્તિઓને ઘણી રાહત રહે છે, કારણ કે તેમનાથી ઘણી વખત ચશ્માં આડાઅવળા મુકાઈ જતા હોય છે. તેનાથી તેમને ચશ્માં બોજારૂપ લાગતા હોય છે. તેથી ચશ્માની આઝાદી તેમને મન ખરેખરી આઝાદી હોય છે. આ ઉપરાંત નવો નેત્રમણિ ટોરિક નેત્રમણિ છે.

આ નેત્રમણિ દ્વારા જેને પહેલેથી સિલેન્ડિ્રકલ નંબર હોય તે પણ મોતિયાના ઓપરેશન બાદ દૂર થઇ જાય છે.

No comments:

Post a Comment