Friday, 26 August 2011

ઓછી ઊંચાઈ: કારણો અને ઉપાય

 
૧૦ વર્ષની ઉંમર પહેલાં બાળકની ઊંચાઇ અંગે નિદાન કરાવી લેવું યોગ્ય હોય છે. જેથી જરૂર પડ્યે ઇલાજ કરી શકાય.

ઓછી ઊંચાઈ હોવાનાં વિભિન્ન કારણો હોય છે. તેમાંથી અમુક કારણોનો ઇલાજ શક્ય છે. જ્યારે અમુક કારણોનો ઇલાજ શક્ય નથી. સમયસર નિદાન થાય તો જ આ ઇલાજનો ફાયદો થઇ શકે. હાડકાંનાં જે ભાગમાંથી બાળકની ઊંચાઇ વધે છે તેને ગ્રોથ પ્લેટ કહે છે. આ ગ્રોથ પ્લેટ છોકરાઓમાં ૧૬-૧૭ વર્ષ સુધી અને છોકરીઓમાં ૧૫-૧૬ વર્ષ સુધી સંપૂર્ણપણે ફ્યુઝ થઇ જાય છે. જેથી કરીને આ અવસ્થા પછી બાળકોની ઊંચાઇ વધતી નથી. અમુક બાળકોમાં આ ગ્રોથ પ્લેટ આનાથી પણ વહેલી ફ્યુઝ થઇ જતી હોવાથી તેમની ઊંચાઇ આનાથી પણ નાની ઉંમરે વધતી અટકી જાય છે. ૧૦ વર્ષની ઉંમર પહેલાં બાળકની ઊંચાઇ અંગે નિદાન કરાવી લેવું યોગ્ય હોય છે.

માતા-પિતાએ ધ્યાન રાખવા જેવું: માતા-પિતાએ બાળકના શારીરિક અને બૌદ્ધિક વિકાસ ઉપર શરૂઆતથી જ ધ્યાન રાખવાની જરૂર હોય છે. ગ્રોથ ચાર્ટ દ્વારા બાળકની ઊંચાઇ પ્રમાણસર છે કે નહીં તે નક્કી કરવું જોઇએ. જો બાળક માતા-પિતાની સરેરાશ ઊંચાઇને અનુસરતા ન હોય અથવા તેની ઊંચાઇ દર વર્ષે બે ઇંચ કરતાં ઓછી વધતી હોય તો વહેલાસર બાળકોના ડોક્ટર અથવા એન્ડોક્રાઇનોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઇએ અને તેની ઓછી ઊંચાઇનું નિદાન અને ઇલાજ કરવો જોઇએ.

ડોક્ટરી તપાસ: ઓછી ઊંચાઇ ધરાવતા બાળકો અને તેમાંય ખાસ કરીને જે બાળકોની સરેરાશ ઊંચાઇ વર્ષે બે ઇંચ કરતાં ઓછી વધતી હોય તેવાં બાળકોની યોગ્ય ડોક્ટરી તપાસ કરી લેવી જોઇએ. પૂછપરછ તથા તપાસ દ્વારા ઓછી ઊંચાઇ હોવાના કારણોમાં કોઈ બીમારી, પોષણની કમી, હાડકાંની બીમારી, હોર્મોન્સની તકલીફ કે પછી વારસાગત કારણ જવાબદાર છે તે ખ્યાલ આવી જતો હોય છે. આ તપાસના આધારે ક્યા લેબોરેટરી ટેસ્ટ અથવા એક્સ-રે કરાવવા જરૂરી છે તે ડોક્ટર નક્કી કરતા હોય છે.

બોન એજ: બાળકની ઊંચાઇના નિદાન માટે ‘બોન એજપ્ત (હાડકાંના વિકાસની ઉંમર) એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. શરીરમાં ૨૦૬ હાડકાં છે. આ બધા જ હાડકાંનો વિકાસ અમુક ઉંમરે થતો હોય છે. હાથ, કાંડા અને કોણીના એક્સ-રે દ્વારા શરીરનાં કયા કયા હાડકાં વિકાસ પામેલાં છે તથા તેઓ ક્યા સ્ટેજ સુધી વિકસિત થયેલા છે તે જાણી શકાય છે. આ ટેસ્ટ દ્વારા બાળકની ‘મેચ્યોરિટી’ ની અવસ્થા જાણી શકાય છે અને હજુ તેનો કેટલો વિકાસ સંભવ છે તથા તેની ફાઇનલ હાઇટ કેટલી થશે તે જાણી શકાય છે. ઢીંચણના હાડકાંમાં સ્થિત ગ્રોથ પ્લેટ જો ફ્યુઝ થઇ ગઇ હોય તો ઊંચાઇ વધતી નથી. ઘૂંટણના એક્સ-રે દ્વારા બાળકની ઊંચાઇ હજુ વધવાનો કોઇ અવકાશ છે કે નહીં તે જાણી શકાય છે.

લેબોરેટરી ટેસ્ટ: બાળકને પોષણ બરાબર મળી રહ્યું છે કે નહીં તે જાણવું ખૂબ જરૂરી હોય છે. લોહીમાં પ્રોટીન, હિમોગ્લોબિન, કેલ્શિયમ વગેરેની માત્રા દ્વારા બાળકના પોષણનું પ્રમાણ યોગ્ય છે કે નહીં તે જાણી શકાય છે. બીજા અગત્યના ટેસ્ટ છે હોર્મોન્સના. થાઇરોઇડ હોર્મોન, ગ્રોથ હોર્મોન અને સેક્સ હોર્મોન બાળકની ઊંચાઇ વધારવામાં મહત્વનો ભાગ ભજવતા હોય છે. શારીરિક લક્ષણો અને તપાસ દ્વારા હોર્મોનની તકલીફ છે કે નહીં તે જાણી શકાય છે. યોગ્ય અને આવશ્યક હોર્મોનની તપાસ દ્વારા હોર્મોનની ઉણપનું નિદાન થઇ શકે છે. થાઇરોઈડ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા હોર્મોનની ઉણપનું નિદાન સહેલાઇથી થઇ શકે છે.

પરંતુ ગ્રોથ હોર્મોનની ઉણપના નિદાન માટે અમુક વિશિષ્ટ તપાસ કરાવવી પડે છે. ગ્રોથ હોર્મોનની ઉણપના નિદાન માટે અમુક બેઝિક ટેસ્ટ કરાવ્યા પછી ડાયનેમિક ટેસ્ટ કરાવવા પડે છે. ડાયનેમિક ટેસ્ટમાં અમુક દવાઓ આપીને દર અડધા કલાકે ગ્રોથ હોર્મોનનું લેવલ જાણવામાં આવે છે. દવા આપીને ગ્રોથ હોર્મોનમાં કેટલો વધારો થયો છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. જો અમુક લેવલ સુધી ગ્રોથ હોર્મોન વધે નહીં તો તેની ઉણપ હોય એવું કહી શકાય અને તે આપવાથી બાળકની ઊંચાઇ વધી શકે.

જિનેટિક ટેસ્ટિંગ: અમુક જન્મજાત બીમારીઓ જેવી કે ટર્નર સિંડ્રોમ, વિલી-પ્રાડર સિંડ્રોમ વગેરેમાં રંગસૂત્રો અથવા જિનેટિક ટેસ્ટિંગ કરવાની જરૂર પડતી હોય છે. આ ટેસ્ટ કરવાથી બીમારીનું ચોક્કસપણે નિદાન થઇ શકે છે અને તેના દ્વારા ભવિષ્યમાં શું મુશ્કેલી સર્જાઇ શકે તે સમયસર જાણી શકાય છે અને અમુક મોટી તકલીફો થતી નિવારી શકાય છે.

ઓછી ઊંચાઇનો ઇલાજ: સારી ઊંચાઇ પ્રાપ્ત કરવા માટે બાળકનો સમતોલ આહાર કે જેમાં યોગ્ય માત્રામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ચરબી, વિટામિન્સ, મિનરલ અને કેલરી મળી રહે એ આપવો જરૂરી હોય છે. બાળકની ઊંચાઇ મુખ્યત્વે રાતમાં વધતી હોય છે. બાળકને યોગ્ય માત્રમાં ઉંઘ મળી રહે એ જરૂરી હોય છે. વારંવાર થતાં ઇન્ફેકશન અથવા જીર્ણ બીમારીઓના કારણે બાળકની ઊંચાઇ વધતી નથી. પેટ, ફેફ્સાં કે કિડનીની બીમારી હોય તો તેના યોગ્ય નિદાન અને ઇલાજ દ્વારા બાળકની ઊંચાઇ યોગ્ય માત્રામાં વધારી શકાય છે. હોર્મોન્સની કમી ઊંચાઇ ઓછી હોવા માટે જવાબદાર હોઇ શકે.

હાઇપોથાયરોઇડિઝમ અથવા થાઇરોઇડ હોર્મોનની કમી સહેલાઇથી ટ્રીટ કરી શકાય છે. ગ્રોથ હોર્મોનની કમી ઓછી ઊંચાઇ માટેનું એક અગત્યનું કારણ છે. ગ્રોથ હોર્મોનની કમી ધરાવતા બાળકોને આ હોર્મોનની ટ્રીટમેન્ટ દ્વારા યોગ્ય ઊંચાઇ મેળવી શકાય છે. ઘણીવાર એક જ વ્યક્તિમાં ઓછી ઊંચાઇ માટે અનેક કારણો જવાબદાર હોઇ શકે. આ બધા જ કારણોની યોગ્ય માત્રામાં સારવાર થઇ શકે અને બાળક સારી ઊંચાઇ ધારણ કરી શકે. વારસાગત ઓછી ઊંચાઈ ધરાવતા બાળકોની ઊંચાઈ તેમના માતા-પિતાના પ્રમાણસર હોવાના કારણે બીજી સારવાર તેમને ઉપયોગી થઈ શકતી નથી. યોગ્ય પોષણ અને કસરત પર તેમણે ધ્યાન આપવું જોઈએ.

ઊંચાઈ ઓછી હોવાના અનેક કારણો હોઇ શકે. તેમાંથી અમુક કારણોનું નિદાન તથા સારવાર સહેલાઇથી થઈ શકે. જરૂર છે વેળાસર નિદાન અને યોગ્ય સારવારની. અમુક ઉંમર વટાવ્યા પછી ઊંચાઇ વધતી નથી. દસ વર્ષ અથવા તેનાથી વહેલા બાળકની ઊંચાઇ અંગે સભાન થવું જરૂરી છે.

No comments:

Post a Comment