Monday, 8 August 2011

સ્ટેમ સેલ ઇલાજ ‘અદ્દભૂત ચમત્કાર’

 
 
તબીબી વિજ્ઞાનમાં ખૂબ પ્રગતિ થઇ છે, છતાં ઘણા રોગો માટે કોઇ ઇલાજ જ નથી. દા.ત. હૃદયના ઘણા એવા રોગ છે કે જેમાં દવાથી, ઓપરેશનથી અથવા તો સાધન જોડવાથી જોઇતો ફેર પડતો નથી. આ ઉપરાંત લકવા જેવા જ્ઞાનતંતુના રોગ, હાથ-પગ જેવી જગ્યાએ લોહીની ધમનીઓ સાંકડી થવી, ફેફસામાં રક્ત પરિભમણનું દબાણ વધવું, જેવા અનેક રોગો છે, જે વિશે વૈજ્ઞાનિકોને જાણ છે પણ તે રોગોનાં કારણો હજુ સુધી જાણવા મળ્યાં નથી.

શરીરમાં થતી કુદરતી દુરસ્તી
સામાન્ય રીતે આપણા શરીરમાં દરરોજ હજારો-લાખો કોષો નષ્ટ થાય છે અને એટલા જ નવા સર્જાય છે. દા.ત. હાથની કે પગની આંગળીમાં બ્લેડ દ્વારા ચીરો પડે તો લોહી નીકળે અને ધીરે ધીરે તે ઘા પુરાઇ જાય છે. પણ જો ઘા મોટો હોય અથવા તો કોઇ અગત્યના અવયવોના ઘણા કોષો કોઇ કારણસર મોટા પ્રમાણમાં નષ્ટ થયા હોય તો નવા કોષોનું સર્જન જોઇતા પ્રમાણમાં ના પણ થાય. આજ કારણે આવી ઇજા અથવા રોગોનો અકસીર અને કાયમી ઇલાજ થઇ શકતો નથી. સ્ટેમ સેલ થેરપીનો આ પાયાનો સિદ્ધાંત છે, એટલે કે નષ્ટ અથવા નિષ્ક્રિય થયેલા કોષોના બદલે સક્રિય સ્ટેમ સેલની મદદથી નવા કોષો બનાવવા.

ઘણા એવા રોગો છે કે જેમાં દવા કે ઓપરેશનથી કોઇ ફેર પડતો નથી. આવી સ્થિતિમાં દર્દીની સારવાર માટે ‘સ્ટેમ સેલ’ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. માનવ શરીરમાં અનેક જાતના કોષો હોય છે, જેના દ્વારા ઇલાજ કરી દર્દીને રોગમુકત કરાય છે. શક્ય હોય તો દર્દીના પોતાના અથવા અન્ય વ્યક્તિના શરીરમાંથી સ્ટેમ સેલ લેવામાં આવે છે.

સ્ટેમ સેલ એટલું શું?
સેલ એટલે કોષ. માનવ શરીરમાં અનેક અલગ અલગ જાતના કોષો હોય છે. આ કોષો લંબાઇ પહોળાઇમાં ૧ થી ૧૦ માઇક્રોન (૧૦૦૦ માઇક્રોન=૧ મિલીમીટર) જેટલા મોટા હોય છે. એક્સરખા કોષો એકબીજા સાથે જોડાઇ પેશીજાળ બને અને પેશીજાળથી અવયવો બને. દા.ત. હૃદયમાં હૃદયના કોષો અને મગજમાં મગજના કોષો એકઠા થઇને અવયવો (હૃદય અથવા મગજ) બને છે. હૃદયના અને મગજના કોષોની રચના ખૂબ જટિલ હોય છે. એટલે જો કોઇ કારણસર તે નષ્ટ થાય તો એ ફરી સર્જાતા નથી. જટિલ કોષો ગયા એટલે ગયા! સ્ટેમ સેલ એટલે ‘સ્ટેમ’ જે વિભાજન દ્વારા કોઇપણ જટિલ કોષોમાં રૂપાંતરિત થઇ શકે છે. દા.ત. હૃદય, જ્ઞાનતંતુ વગેરેના કોષો, સ્ટેમ કોષો દ્વારા સર્જાઇ શકે.

સ્ટેમ સેલ ક્યાં મળે?
અબજો કોષો ધરાવતું માનવશરીર ફકત એક કોષમાંથી સર્જાયેલું હોય છે. એક કોષમાંથી વિભાજન થઇને ૨ કોષ થાય, ૨ ના ૪ કોષ થાય, ૪ ના ૮ કોષ થાય અને ત્યારબાદ વારંવાર વિભાજન થઇને છેવટે અબજો કોષોનું શરીર બને છે. જે કોષોનું સતત વિભાજન થતું હોય છે તેમાંથી જ હૃદય, મગજ જેવા જટીલ કોષોનું સર્જન થતું હોય છે.
એક વખત જટીલ કોષો બન્યા બાદ તે નષ્ટ થાય તો તેનું વિભાજન થઇ નવા કોષો બની શકતા નથી તે આપણે જોયું, પરંતુ જ્યારે જટિલ કોષો સર્જાતા હોય ત્યારે થોડાક સ્ટેમ કોષો એમ ને એમ રહેતા હોય છે અને જીવનમાં જરૂર પડે ત્યારે સ્ટેમ કોષોમાંથી બીજા સાદા અને જટિલ કોષો સર્જાતા હોય છે.

સંતુલન: શરીરમાં જરૂર પડે ત્યારે નવા કોષોનું સર્જન શરૂ થાય છે અને જરૂર પૂરી થાય ત્યારે નવા કોષોનું સર્જન બંધ થઇ જાય છે. આ પદ્ધતિ દ્વારા શરીરની વૃદ્ધિ અને સાચવણી થાય છે. જો આ ક્રિયામાં કોઇ ગરબડ થાય તો બીમારી સર્જાય. કોષોનો નાશ થવો અને નવા કોષોના સર્જનની બાદબાકીમાં જો જોઇતા પ્રમાણ કરતાં વધારે કોષો નષ્ટ થાય તો શરીર ઘસાતું જાય અને બીમારી દ્વારા નષ્ટ થાય. બીજી તરફ જો જોઇતા પ્રમાણ કરતાં ઓછા કોષો નષ્ટ થાય અને વધારે કોષો સર્જાય તો કેન્સર જેવી બીમારી થાય. સ્ટેમ સેલ જે જગ્યાથી મળે છે, તેના પર આધારિત અલગ અલગ ઇલાજ પદ્ધતિઓ હોય છે.

ઓટોલોગસ સ્ટેમ સેલ થેરપી
દર્દીના શરીરમાંથી જ સ્ટેમ સેલ કાઢવામાં આવે છે અને ઇલાજ માટે વપરાય છે. આમાં મુખ્ય ફાયદો એ છે કે આ પદ્ધતિના અંતે આડઅસર થવાની શક્યતા રહેતી નથી. એટલે આ સુરક્ષાભરી પદ્ધતિ છે.

એલોજેનિક સ્ટેમ સેલ થેરપી
આમાં બીજી વ્યક્તિના શરીરમાંથી સ્ટેમ સેલ લેવામાં આવે છે. જ્યારે જન્મજાત ખોડખાંપણના કારણે દર્દીના સ્ટેમ સેલમાં પણ ખામી હોય ત્યારે તેના પોતાના સ્ટેમ સેલ વપરાય નહીં, એટલે બીજી વ્યક્તિના સ્ટેમ સેલ વાપરવા પડે છે.

ઓટોલોગસ સ્ટેમ સેલ ક્યાંથી મળે?
શરીરની બધી પેશીમાં થોડા પ્રમાણમાં સ્ટેમ સેલ હોય છે. લોહી, હાડકાની અંદરનો માવો અને ચરબીની પેશીમાં સ્ટેમ સેલ વધુ પ્રમાણમાં મળે છે. જો આ સ્ટેમ સેલની યોગ્ય વાતાવરણમાં વૃદ્ધિ કરાવવામાં આવે તો તે બીજી જાતની પેશીના કોષોમાં બદલાઇ શકે છે, માટે તેમને ઉપરોકત અવયવોમાંથી કાઢી તેમનો લેબોરેટરીમાં વિકાસ કરી તેમનો ઇલાજ માટે ઉપયોગ કરવામાં આવે છે.

સ્ટેમ સેલ કેવી રીતે કામ કરે છે?
સ્ટેમ સેલ કામ ન કરતા નિષ્ક્રિય કોષોને સક્રિય બનાવે છે અને મૃત થયેલા કોષોના બદલામાં નવા કોષોનું સર્જન કરે છે.

સ્ટેમ સેલ કઇ બીમારીઓમાં વપરાય?
સ્ટેમ સેલ હૃદય, ફેફસા, મગજ, સ્વાદુપિંડ, યકૃત, મૂત્રપિંડ, ચામડી, હાડકા અને સાંધા, રક્તવાહિની ધમની વગેરે અવયવોના રોગોના ઇલાજ માટે વપરાય છે.

No comments:

Post a Comment