
પાછલા દસકાથી વાતાવરણમાં થયેલા ફેરફારોને લીધે શિયાળામાં પાંચ ડિગ્રી સેલ્સિયસ કે તેથી પણ નીચે ઠંડી અને ઉનાળામાં ૪૫ ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ ગરમી અનુભવાય છે. બાળકોને ખાસ કરીને નવજાત શિશુ પર બંને ઋતુની વિશેષ અસર થાય છે. તેઓ માટે શિયાળામાં ધ્યાન રાખવા જેવી થોડી બાબત.
માતાને શરદી થઇ હોય તો ધાવણ ન અપાય.
આ માન્યતા ખોટી છે. માતાને શરદી થઇ હોય તો પણ નિશ્વિંતપણે તે સંતાનને ધાવણ આપી શકે. ડોક્ટરે સૂચવેલાં કફ સિરપ કે એન્ટીબાયોટિક દવા પણ લઇ શકે. માતાને શરદી થાય તેથી શરદી નવજાત શિશુને થાય તેવું નથી હોતું.
શરદી-ખાંસી થાય ત્યારે બાળકોને નવડાવાય નહીં.
નવડાવાથી શરદી-ખાંસી વધતા નથી. સ્નાન કરાવવાથી કોઇ પણ પ્રકારના વાયરલ-બેકટેરિયલ રોગ વધી જાય એ માન્યતા ખોટી છે. ઊલટું નવડાવીએ નહીં તો રોગની આડઅસર વધે. નવડાવવાથી બાળક પણ તાજગી અનુભવશે. વળી, અડધાથી એક ફેરનહિટ તાવ પણ ઘટે છે. બીમારીને લીધે ભૂખ ન લાગતી હોય તેવાં બાળકો નવડાવ્યા પછી થોડુંક જમે છે. તેમનું રડવાનું પણ ઓછું થશે.
શરદી-ખાંસી થઇ હોય ત્યારે દહીં, ખાંડ, કેળાં તથા નારંગી-મોસંબી જેવા ખાદ્ય પદાર્થો ખવાય નહીં.
ઉપરોકત ચારેય ખાદ્યપદાર્થો શરદી-ખાંસી વધારતા નથી. ચાર-કે પાંચ ટકા બાળકોને કોઇ ચોક્કસ ખાદ્યપદાર્થોની એલર્જી હોય છે, ૯૫ ટકા કિસ્સામાં કશું થતું નથી. ચારેય ખાદ્યપદાર્થોના ચોક્કસ ફાયદા છે. શરદી-ખાંસીમાં પણ દહીં-ભાત ખવાય, ખાંડ નાખેલું લીંબુ શરબત અથવા સંતરા-મોસંબીનો રસ લેવાય. કેળાંમાં ફાઇબર (રેસા), આયર્ન (લોહતત્વ) વિશેષ છે. રોજ એક કેળું પણ બાળકોને આપી શકાય.
નવજાત શિશુ તથા નાના બાળકોને શરદી થઇ હોય, નાક બંધ હોય છતાં નાકમાં ટીપાં નખાય નહીં. તેની આદત પડે.
બજારમાં મળતાં પાણી તથા મીઠાનાં સંયોજનવાળાં નાકનાં ટીપાં ખૂબ સલામત હોય છે. દિવસમાં સાત-આઠ વખત વાપરો તો પણ આદત પડતી નથી. કોઇ પણ ઓઇલવાળા ટીપાં ક્યારેક આદત પાડી શકે. તેનો લાંબા સમય સુધી ઉપયોગ ન કરાય. નવજાત શિશુ તથા નાના બાળકોને ધાવણ આપતાં પહેલાં, જમાડતાં કે સુવડાવતાં પહેલાં નાકમાં ટીપાં નાખીએ તો તેનું દરેક કાર્ય સારી રીતે કરી શકે છે. દેશી ઘી, તેલ, દીવેલ નાકમાં નાખીએ તેના બદલે ડોક્ટરની સલાહ મુજબના પાણી તથા મીઠાના સંયોજનવાળા નાકના ટીપાં ખૂબ સલામત છે.
શિયાળામાં શરદી ન થાય એ માટે બાળકોની શી કાળજી રાખવી?
ગરમ કપડાંનો યોગ્ય ઉપયોગ. ઘરમાં અગરબત્તી, અત્તર, પફ્ર્યૂમ, મચ્છર મારવાની દવાનો ઉપયોગ ટાળવો. ખૂબ નાનાં બાળકોને બપોરે ૧૨-૫ વચ્ચે જ બહાર લઇને જવું. મોડી રાત્રે કે વહેલી સવારે તેમને લઇ બહાર જવાનું ટાળવું. શાકભાજીના સૂપ, આમળા-હળદરના રસ, તલ-સીંગની ગોળ સાથે વિવિધ પ્રકારની ચીકી બાળકોને શ્રેષ્ઠ રીતે શિયાળામાં જ આપી શકાશે.
No comments:
Post a Comment