Friday, 23 September 2011

ચોમાસામાં તુલસી અને ઉપવાસ થકી ખુદના વૈધ બનવું જોઈએ

 
 
યોગવાસિષ્ઠ અને મહાભારત બન્નેમાં સ્વાધીનતાને પરમસુખ અને પરાધીનતા પરમદુ:ખ મનાયું છે. બીજાને આધીન હોય તે તમામ દુ:ખરૂપ છે અને આજે ચોમાસાની ઋતુ છે તેમ જ હાલતાં ચાલતાં બીમારી થાય છે ત્યારે તમારે તમારા વૈધ બનવું જોઈએ. યોગવાસિષ્ઠ આ બાબતમાં વિસ્તૃત ખ્યાલ આપે છે.

પરાધીનં વૃથા જન્મ પરસ્ત્રીષુ વૃથા સુખમ્
પરમેહે વૃથા લક્ષ્મી વિધા યા પુસ્તકે વૃથા

અર્થાત્ પરાધીન જીવન વ્યર્થ છે. જેમ પરસ્ત્રીનું સુખ નક્કામું છે. બીજાના ઘરમાં કે મગજમાં પડેલી સંપત્તિ કે બુદ્ધિ નક્કામી છે. આજે જ્યારે ડોક્ટરો મોંઘા થયા છે. આડઅસર કરતી દવાઓનું ચલણ છે ત્યારે વર્ષાઋતુમાં બીમારીનો ભય વધુ રહે છે.

કમાલ એ વાતની છે કે વર્ષાઋતુ સૌથી વધુ રોમેન્ટિક છે ત્યારે તંદુરસ્ત રહો તો યુવાનીની મસ્તી માણી શકાય છે. વર્ષા જ એવી છે જ્યારે શારીરિક અને વિરહની બીમારી આવે છે ત્યારે પ્રેમી કે પ્રેમિકાએ શરીર-મનને સ્વસ્થ રાખવું જોઈએ.

આજના મૂડીવાદી યુગમાં (લાખોની સંખ્યામાં) ‘પરણ્યો’ પરદેશમાં દુબઈ, શારજાહ, મસ્કત, ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી કે લંડન કે બીજા દેશમાં પત્નીને એકલી છોડીને કમાય છે. વિરહ વર્ષા સુધી લંબાતાં આકરો થાય ત્યારે બીમારી આવે છે. ખરેખર તો ૨૧મી સદીની અનેક ઉપાધિમાં શરીર સ્વસ્થ હોવું જોઈએ.

મહુવામાં ફૈબાને ઘરે રહેતા ત્યારે ચોમાસા પહેલાં સુદર્શન ચૂર્ણનો ઉકાળો અઠવાડિયું પીતા. ભાવનગર સ્ટેટમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ દરેક ગામડાને બક્ષેલી આયુર્વેદ ઔષધની પેટી સાથે જયશંકર વૈધનું ઘરવૈદું નામનું થોથું અપાતું. ગામના ચોરે મોટા તાવડામાં તાવ તેમ જ વર્ષાના રોગ સામે પ્રતિકાર કરવા આયુર્વેદનો ઉકાળો ઉકળતો.

આજે શહેરમાં તમે કંઈ ન કરી શકો પણ ઘરે તુલસીના છોડ તો ઉગાડી શકો છો. જલદીથી મારે કહી દેવું જોઈએ કે આજે બાર-તેર વર્ષની દીકરીને આ ઋતુમાં જ માસિક સ્રાવની વધુ તકલીફ થાય છે. તેનો ઇલાજ સીધો છે. દૂધ વગરની ફુદીના અને તુલસીની ચા દીકરીને માસિક ગાળા પહેલાં ચાર દિવસ આપવી તેમ દક્ષિણના યુનાની વૈધ અમાન કહે છે. કંઈ નહીં તો તમે તુલસી અને ફુદીનાના પાંદડા ચાવી જાઓ તો દાંત તંદુરસ્ત-વાસરહિત રહે છે.

તુલસી એ આખેઆખું ભારતીય નામ છે. તુળસ, તુલસીકા કે તુલાશા ભારતભરમાં, ફારસીમાં રેહાન, અરબીમાં ઉલસી બદરુત અને અંગ્રેજીમાં માત્ર એક પવિત્ર છોડ જેવું જ નામ છે. આજે નાની ઉમરે ભણેલી માતાઓ વધી છે. તેમના બાળક બીમાર પડે ત્યાં ડોકટરો પાસે દોડીને રૂ.૧૦૦-૨૦૦ ખર્ચી નાખે છે. બાળકને ઊલટી-ઝાડા થાય તો તુલસીનાં બી વાટીને ગાયના દૂધમાં પાઈ શકાય.

અમસ્તુય બાળકને તુલસીના પાંદડાનો રસ ચોમાસામાં ખાસ પાવો. તુલસી વિશે ભગવદ્ગોમંડળ નામના ગુજરાતી એનસાઇકલોપીડિયામાં બે પાના ભરીને માહિતી આપી છે. સૌથી મોટી વાત એ કે આંગણે તુલસી હોય તો પર્યાવરણ શુદ્ધ રહે છે. અમે વાડીએ જઈએ ને વીંછી કરડે તો સૌપ્રથમ તુલસીનો રસ ચોપડતા. મુંબઈમાં દરેક ગુજરાતીને ઘરે તુલસી ન હોય તો જવા દો પણ અમદાવાદમાં જો તમારે ઘરે તુલસી ન હોય તો શરમાવા જેવું છે. આ વાંચવું પડતું મૂકીને પહેલા તુલસીનો છોડ કુંડામાં રોપી દો.

તમે તુલસીના સંસ્કત પર્યાયો (બીજા અર્થ) વાંચશો તો ગુણનો ખ્યાલ આવશે. સુરસા,ગ્રામ્યા, સુલભા, સુભગા, તીવ્રા, યાવની, વિષ્ણુવલ્લભા, અમૃતા ને કૃષ્ણા! ઝંડુ ભટ્ટજી લખી ગયા છે કે તુલસીનો રસ પીવાથી પેટના કીડા મરે છે. શરીરની કાંતિ વધે છે. ભૂખ વધારે અને... અને... વીર્યવૃદ્ધિ કરે છે. આપણી વધુપડતી ચા વીર્યની હાનિ કરે છે! હિન્દુમાં ઠાકોરજીની પૂજા તુલસી પાન વગર થઈ શકતી નથી. આરોગ્ય રક્ષા માટે ઘણા લોકો તુલસીના કાષ્ટની માળા પહેરે છે.

પરદેશમાં બહુ જ માવજતથી તુલસી ઉછેરાય છે. ગ્રીસના અમુક ચર્ચમાં તુલસીની પૂજા થતી. સંત બેસીલ ધ ગ્રેટ નામે પિશ્ચમના પૂજાતા કોન્સ્ટન્ટીનોપલના મહાન આત્મા નરમ તબિયતમાં તુલસી પાનનો રસ પીતા. આજે તેમની જયંતીને દિવસે સ્ત્રીઓ તુલસીના છોડ દેવળમાં ધરે છે. હિન્દુઓમાં દિવાળી પછી કાર્તિક સુદ ૧૧ના રોજ પ્રથમ તુલસી-શાલીગ્રામના લગ્નનો વિધિ થાય પછી જ લગ્નસરા શરૂ થાય છે.

વરસાદમાં અગર કોઈ પણ ઋતુમાં જૈનો અમુક શાકભાજી અને કંદમૂળ ખાતા નથી. ગાજર મૂળાથી દૂર રહે છે. ચોમાસુ એ ગાજરની મોસમ નથી ત્યારે ગાજર ખાવાની જરૂર નથી. ચોમાસામાં જૈનો લીલા શાકભાજી ખાતા નથી તે વૈજ્ઞાનિક છે. અખબારનો અજ્ઞાન રિપોર્ટર ચોમાસામાં શાકભાજી મોંઘા હોવાની જડતાવાળી વાતો લખે છે, પણ કુદરત ડાહી છે.

આ મોસમમાં લીલા શાકભાજી તંદુરસ્તી માટે સારા નથી. પિત્ત વધે છે. આ વર્ષા મોસમમાં બીજા તમામ બજાર ઠંડા હોય. માત્ર ડોકટરો, કથાકારો અને બારોટોની ડિમાન્ડ હોય. ઠેરઠેર કથાઓ થતી હોય. કેરળમાં આ મોસમમાં રામાયણની નાની આવૃત્તિ લગભગ દોઢ લાખ (પોકેટ રામાયણ) ખપી જાય છે. મલયાલમ ભાષીનો આ કારરીડાકમ મહિનો છે. ધર્મ, ઘ્યાન અને આહારમાં સાદાઈ તથા ઉપવાસ-એક ટાણાનો હોય છે.



વર્ષાઋતુમાં તમને રોમિયો કે કલાપી કે રાજ કપૂર (‘આજ બરસાત મેં’) બની જવાની છૂટ છે, પણ ખાનપાનમાં સાવ સંન્યાસી બની જવું જોઈએ તો જ રોમાન્સ ભરપૂર માણી શકાશે. અમેરિકામાં ડો.હબર્ટ શેલ્ટને ઉપવાસનું મહત્ત્વ લખ્યા પછી હોલિવૂડની હિરોઇન ગ્લોરિયા સ્વાન્સે ‘અઠ્ઠાઈ’ કરેલી. આપણું કેલેન્ડર શ્રાવણ મહિનામાં શરીરનો કચરો કાઢવાની યાદી આપે છે.

ઇંગ્લેંડના નિસર્ગોપચારક ડો.હેન્રી એસ. સ્ટેનરે એક જૂના ચામડીના રોગીને ૧૦૦ વર્ષ પહેલાં ઉપવાસ પછી તુલસીના પાનના ઉકાળા અને બીજા આયુર્વેદ ઔષધથી સારો કરેલો. માત્ર માનવ જ બીમારીમાં ખા ખા કરે છે. શ્રાવણમાં મોકો છે. સોમવારે અમારું આખું મહુવા ગામ એકટાણા કરી માલણ નદીમાં ન્હાઈને પાંચ વાગ્યે ભૂતનાથના દર્શને જતું. (ન્યૂ યોર્કમાં ગારિયાધારના ખોજાની માતા તુલસીનો છોડ અને ફુદીનાનો કયારો રાખતા) આપણે દરેક મિજાજના ખાધે રાખીએ છીએ. ડો.શેલ્ટન કહે છે કે પ્રાણી ગુસ્સે થયું હોય કે ઉત્તેજિત હોય ત્યારે કે ભયમાં ખોરાક ખાતું નથી. આપણે તો ગુસ્સા દરમિયાન જ કરડ કરડ કરીએ છીએ.

કુદરતી અવસ્થામાં તો પ્રાણી કરોળિયા, શિયાળ, બિલાડાને (પાળ્યા વગરના) ડોકટરની જરૂર નથી. કારણ કે બીમાર હોય ત્યારે ખાવાનું છોડી દે છે. માછલીઓ પ્રજનનની મોસમમાં ઉપવાસ કરે છે. ‘હિસ્ટ્રી ઓફ સ્પિશિસ’ નામનાં પુસ્તકમાં ડો.જે. આર. નોર્મન લખે છે કે સાલમન નામનો માછલો સંવનન વખતે અને એ પહેલાં ઉપવાસ કરે છે, આવું જ પેંગ્વીન અને હંસનું છે. અમારા કાઠિયાવાડના ઘણા વરરાજા લગ્ન પહેલાં ઉપવાસ કરતા.

ખરેખર શહેરનાં બાળકોને ઐતિહાસિક દાખલા આપીને ખાસ કરીને વર્ષાઋતુમાં ઉપવાસનું મહત્ત્વ સમજાવવું જોઈએ. ઈરાનના મિથિયાક વિસ્તારમાં ૫૦ દિવસના ઉપવાસો થતા. ઇજિપ્તમાં ડહાપણના ભંડાર ગણાતા મુસાએ સિનાઈ પર્વ પર ૧૨૦ દિવસના ઉપવાસ, ઈસુના જમાનામાં એસનેસ-સિક્રેટ સોસાયટીના ઉપવાસ, બાઇબલમાં મુસાના ૪૦ દિ’ના ઉપવાસ વગેરે થતા. ખ્રિસ્તી કે જૈન સાઘ્વીને કદાચ ફરજિયાત બ્રહ્મચર્ય થકી હિસ્ટિરિયા થાય તો ઉપવાસ કરાવાતા. જૈનોમાં જે ‘સુધરી’ ગયા છે તેણે ઓછામાં ઓછું જૈનોમાં ઉપવાસ ને આહારના નિયમો છે, તે પોતાના શરીર ખાતર પાળવા જોઈએ.

ગ્રીક ફિલોસોફર પાયથાગોરસ નિયમિત ઉપવાસ કરતા એલેકઝાન્ડ્રિયા યુનિ.માં પરીક્ષા આપતાં પહેલાં તેમણે બુદ્ધિને તેજ કરવા ચાલીસ દિવસના ઉપવાસ કરેલા. પશ્ચિમના દેશોના બાળકો પરીક્ષા વખતે હોલમાં ઊઘી જાય છે. કારણ મા ભરપેટ નાસ્તો આપે છે. ગુજરાતી માતાઓ પરીક્ષાને દિવસે સવારે ફળાહાર કરાવે કે ઘઉની રાબ પીવરાવે. આજે યુરોપમાં સ્ટંટ ઉપવાસો પણ થાય છે. બ્રાઝિલનાં મેન્ડિસ ગામની ૧૭ વર્ષની મેરિયા કોન્સિકાએ એપીલેપ્સી (વાઈ)નું દર્દ ઉપવાસથી મટાડેલું

No comments:

Post a Comment