Wednesday, 14 September 2011

ઇસકો લગા ડાલા, તો કમ્પ્યૂટર ઝીંગાલાલા!

‘હજી તો વાર છે! અરે, હજી તો કેટલા દિવસ! નવરાત્રિ પણ ક્યાં આવી છે?’ નવરાત્રિ નજીક આવે એટલે મોટા ભાગનાં ઘરોમાં વાતચીતના નવા ટોપિક શરૂ થાય. વાતની શરૂઆત દિવાળીના વેકેશનમાં ક્યાંક ફરવા જવાથી માંડીને કંઇક મોટી ખરીદીના મુદ્દાથી થાય અને ઉત્સાહથી શરૂ થયેલી આ વાતો ધીમે ધીમે ઘરની વાર્ષિક સફાઇના મુદ્દે પહોંચે ત્યારે આ પ્રકારના સંવાદોથી વાત અટકે.

ઘરની સફાઇમાં મોડું કરીએ તો કદાચ ચાલી જાય, પણ કમ્પ્યૂટરની સફાઇ નિયમિત થવી જરૂરી છે, એમાં એક તરફ ‘નિર્મળ ગુજરાત’નાં સૂત્રો પોકારીએ અને બીજી તરફ પોતાના જ એપાર્ટમેન્ટની લિફ્ટ સુદ્ધાંમાં પાનની પિચકારીઓ મારતા રહીએ એવું ન ચાલે.

લિફ્ટ પણ સાફ રહેવી જોઇએ અને કમ્પ્યૂટરની સફાઇ પણ થવી જ જોઇએ, નિયમિત. કેમ? કારણ સ્પષ્ટ છે. સફાઇ કરતા ન રહીએ તો લાંબે ગાળે કમ્પ્યૂટરના પરફોર્મન્સ પર ‘ચોખ્ખી’ અસર થાય, એટલું જ નહીં, ઇન્ટરનેટના વપરાશ દરમિયાન ઘૂસી ગયેલી કૂકીઝ અને ટેમ્પ ફાઇલ્સ તો પ્રાઇવસી અને નેટ સેફ્ટીનું જોખમ પણ ઊભું કરી શકે.

ઓકે, મુદ્દો ક્લિયર. તો હવે પહેલો સવાલ એ થવો જોઇએ કે કમ્પ્યૂટરમાં કચરો જમા થાય છે કઇ રીતે? કમ્પ્યૂટરની તકલીફ એ છે કે તેમાં બે પ્રકારનો કચરો જમા થાય છે. એક જે આપણે જોઇએ શકીએ અને જે મોટા ભાગે આપણે પોતે જ જમા કરેલો હોય. બીજો, જે જમા તો આપણે જ કરીએ છીએ, પણ ઘણું ખરું આપણી જાણ બહાર થાય છે અને જે આપણને દેખાતો પણ નથી.

પહેલા પ્રકારનો કચરો એટલે આપણે પોતે ક્રિએટ કરેલી પણ હવે બિનઉપયોગી બની ગયેલી જુની ફાઇલ્સ અને ફોલ્ડર્સ, મિત્રો-પરિચિતો પાસેથી લાવીને કમ્પ્યૂટરમાં ઠાલવેલી ગીતોની ઢગલાબંધ સીડીઓ (જેમાં એવું જ ઢગલાબંધ ડુપ્લિકેશન થાય!), મોબાઇલ અને ડિજિટલ કેમેરામાંથી ઉપરાઉપરી ડાઉનલોડ કરેલા એકના એક ફોટોગ્રાફ્સ વગેરે.

આ બધાનો ઉપાય આપણે પોતે કરવો પડે-કામની ફાઇલ્સ ઊડી ન જાય એની કાળજી રાખીને. ડુપ્લિકેટ ફોટોઝ અને સોંગ્સ શોધીને અલગ તારવી આપતાં સોફ્ટવેર હોય છે (જેની આપણે અગાઉ વાત પણ કરી છે), પણ માઇક્રોસોફ્ટ ઓફિસ જેવા પ્રોગ્રામમાં બનાવેલી બિનઉપયોગી ફાઇલ્સ તો જાતે જ દૂર કરવી પડે.

આની સરખામણીમાં, બીજા પ્રકારનો-ન દેખાતો-કચરો દૂર કરવાનું કામ વધુ અગત્યનું છે અને પ્રમાણમાં વધુ સહેલું પણ છે. ઇન્ટરનેટના વપરાશ દરમિયાન આપણે જે જે સાઇટ સર્ફ કરીએ તેની ટેમ્પરરી ફાઇલ્સ આપણા પીસીમાં ડાઉનલોડ થતી હોય છે. જુદી જુદી વેબસાઇટ્સ આપણું સફિઁગ ઝડપી બને - અને ઘણા કિસ્સામાં એમને આપણા આઇપી એડ્રેસ જેવી માહિતી મળે - એ માટે અલગ અલગ પ્રકારની કૂકીઝ પણ આપણા પીસીમાં ઠાલવતી હોય છે.

ઇન્ટરનેટ પર આપણે કોઇ ફોર્મ ભરીએ તો તેની હિસ્ટ્રી જમા થાય. આપણે એડ્રેસબારમાં જે જે સાઇટનાં એડ્રેસ લખીએ એની હિસ્ટ્રી, જે કંઇ ડાઉનલોડ કરીએ તેની હિસ્ટ્રી વગેરે પણ અંતે પીસીમાં જમા થતી જાય. પીસીમાં, વિન્ડોઝ એક્સપ્લોરરમાં જઈને કે સીધા કોઇ પ્રોગ્રામ્સમાંથી આપણે જે કોઇ ફાઇલ્સ ઓપન કે ક્રિએટ કરીએ એની પણ ટેમ્પરરી અને લોગ ફાઇલ્સ બનતી હોય છે.

છેલ્લા થોડા સમયમાં ઓપન કરેલા ડોક્યુમેન્ટ્સની ટેમ્પ ફાઇલ પણ જમા થતી હોય છે. ફાઇલ ડિલીટ કરીએ એ પણ રિસાયકલ બિનમાં જમા થાય અને કમ્પ્યૂટરનો બોજો વધારે. કમ્પ્યૂટરની રજિસ્ટ્રીમાં સફાઇ પણ જરૂરી હોય છે. એ બધું કામનું હોય છે પણ થોડા સમય માટે, અને મોટા ભાગે, આપણા કામને સહેલું ને ઝડપી બનાવવા પૂરતું જરૂરી હોય છે. જો એ લાંબા સમય માટે જમા થતું રહે તો સરવાળે નુકસાન કરે છે.

આ વખતે, માટલા કરતાં એનું ઢાંકણ મોટું થઇ ગયું છે! લાંબી પ્રસ્તાવના પછી મૂળ વાત - કમ્પ્યૂટરના આ બીજા પ્રકારના કચરાની સફાઇ માટે કરવું શું? સીક્લિનર નામનું એક સરસ સોફ્ટવેર છે, વિશ્વભરમાં ૭૦ કરોડ જેટલા લોકોએ એ ડાઉનલોડ કર્યું છે-તમે પણ કરો (www.piriform.com/ccleaner) અને બે-ત્રણ ક્લિકમાં કમ્પ્યૂટરની નિયમિત સફાઇ કરતા રહો. સોફ્ટવેર વિશ્વની અગ્રગણ્ય કંપનીઓ દ્વારા ટ્રસ્ટેડ કેટેગરીમાં મુકાયેલું છે, અને ફ્રી છે! અલબત્ત, છે સોફ્ટવેર એટલે તમારી અગત્યની ફાઇલ્સનો બેકઅપ લઈને પછી ઇન્સ્ટોલ કરજો. સોફ્ટવેરનો ઉપયોગ બિલકુલ સરળ છે.દિવાળીની રાહ જોયા વિના આ કામ કરજો અને કરતા રહેજો!

No comments:

Post a Comment