Thursday, 4 August 2011

નવજાત શિશુને થતી ઊલટીઓ

 
 
કેટલીક વાર નિપલ ચૂસતા બાળકોમાં ધાવણની સાથે બહારની હવા વિશેષ જાય છે. તેથી પણ બાળક ઊલટી કરે છે.

પૂરતું ધાવણ લીધા પછી થોડું થોડું દૂધ અથવા દહીંના ફોદા જેવું કાઢે તે નવજાત શિશુમાં ખૂબ સામાન્ય છે. ધાવણ લેતાં બાળકોમાં 6 થી 8 મહિના સુધી આવું રહે છે. વધુમાં વધુ 2 થી 3 મહિના વચ્ચે જોવા મળે છે. લગભગ 35-40% બાળકોમાં ઊલટી અથવા ભળવું જોવા મળે છે. નવજાત શિશુને અન્ય કોઇ તકલીફ ન હોય, સારું ધાવતું હોય, વજન બરાબર વધતું હોય, પેશાબ બરાબર થતો હોય તો દહીંના ફોદા જેવું ઊલટી સ્વરૂપે નીકળે તેની જરા પણ ચિંતા કરવી નહીં. શિશુ જેમ જેમ મોટું થતું જશે તેમ ભળવાનું ઓછું થતું જશે. નવજાત શિશુમાં અન્નનળી અને જઠર વચ્ચેનો વાલ્વ અસરકારક રીતે કાર્યરત હોતો નથી. બાળક મોટું થતું જાય તેમ તેમ આ વાલ્વ ધીરે ધીરે જઠરમાં રહેલા ખોરાકના દબાણ સામે અસર કરતો થાય છે. બાળક વધુ સમય માતાનું ધાવણ ચૂસે, વારંવાર લે, બોટલથી દૂધ લેતું હોય તેવા બાળકોમાં આ પ્રકારની ઊલટીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે.

આ ઊલટીમાં ધાવેલું દૂધ, પાચકરસ અને થૂંક હોય છે. એવી ખોટી માન્યતા છે કે આ પ્રકારની ઊલટી વધુ થાય તેમ બાળકનો કફ નીકળી જાય અને બાળક માટે સારું હોય છે. ઊલટી વાટે કફ ક્યારેય નીકળતો નથી. ધાવણ આપી 12-15 મિનિટ શિશુને ખભે રાખી વ્યવસ્થિત ઓડકાર ખવડાવવો. ધાવણ 15-17 મિનિટથી વધુ આપવું નહીં. ધાવણ લેતાં બાળકની યોગ્ય સ્થિતિ ચકાસવી. ફકત નપિલ ચૂસતા બાળકોમાં ધાવણ સાથે બહારની હવા વિશેષ જાય છે. માતાની નિપલ, કાળો ભાગ જેને Areola કહે છે તથા સ્તનનો થોડો ભાગ બાળકના મોમાં જવો જોઇએ. આ સાચી રીતે તથા જરૂરી સમય માટે જ બાળક ચૂસે તો તેને ભળવાની શક્યતા ઓછી રહેશે. ધવડાવીને બાળકને નવડાવવું, માલિશ કરવું કે ઊંચું-નીચું કરી રમાડવાનું ટાળવું. ભળવાથી બાળકના શારીરિક-માનસિક વિકાસમાં કોઇ તકલીફ પહોંચતી નથી. ધાવણ આપી ખભે રાખી થાબડી ઊંધું સુવાડવું સાથે માથું ઊંચું રહે તેવી સ્થિતિ બાળકને વિશેષ ફાયદો કરે છે. દેશી ઘસારા, ઊલટી બંધ કરવાના ટીપાંનો ઉપયોગ ટાળવો. ધાવણનું દૂધ નાકમાંથી નીકળે તો તરત બાળકોના ડોક્ટરને મળી શું તકેદારી રાખવી તે જાણી લેવું.

બાળક સારી રીતે ધાવણ લેતું હોય, વજન બરાબર વધતું હોય, તો તેને ફોદાં જેવી ઊલટીઓ થાય તે અંગે ચિંતા કરવાની જરૂર નથી.

No comments:

Post a Comment