
કિડનીની તકલીફો, સંધિવા અથવા એઇડ્સ જેવા રોગોની સારવારના ભાગરૂપે ટેસ્ટોસ્ટેરોનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે
ટેસ્ટોસ્ટેરોનનો ઉપયોગ સદીઓથી પ્રચલિત છે. વૈજ્ઞાનિક પ્રગતિ દ્વારા તેનાં વિવિધ ફંકશન અને ઉપયોગો વિશે સઘન માહિતી મળી છે. ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના ચાર મહત્વપૂર્ણ ઉપયોગો છે. શરીરની વિવિધ અવસ્થાઓમાં જુદા જુદા પ્રકારના ટેસ્ટોસ્ટેરોન પ્રોડકટ્સ વપરાતા હોય છે. દરેક અવસ્થાનો હેતુ, લક્ષ્ય અને ફાયદા ભિન્ન હોય છે.
‘ટેસ્ટોસ્ટેરોન’ હોર્મોન પુરુષોમાં ઉત્પન્ન થતો એક સૌથી મહત્વપૂર્ણ હોર્મોન છે. શારીરિક, માનસિક, પ્રજનન તથા સેક્સ્યુલ ફંકશનમાં તેનો ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો હોય છે. ટેસ્ટોસ્ટેરોનની ઊણપથી પુરુષોમાં અનેક પ્રકારની તકલીફો થઇ શકે.ટેસ્ટોસ્ટેરોનનો ઉપયોગ સદીઓથી પ્રચલિત છે. વૈજ્ઞાનિક પ્રગતિ દ્વારા તેનાં વિવિધ ફંકશન અને ઉપયોગો વિશે સઘન માહિતી મળી છે. ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના ચાર મહત્વપૂર્ણ ઉપયોગો છે:
અમુક પુરુષોમાં જન્મજાત અથવા અમુક બીમારીના કારણે શુક્રપિંડ અથવા તેને ઉત્તેજિત કરનારા પિચ્યૂટરી ગ્રંથિના કાર્યમાં અવરોધના કારણે ટેસ્ટોસ્ટેરોનની કાયમી ઊણપ હોય છે. અમુક બાળકોને તરુણ અવસ્થામાં પ્રવેશવામાં તકલીફ પડતી હોવાના કારણે ટેસ્ટોસ્ટેરોન આપવાની જરૂર પડતી હોય છે. મોટી ઉંમરના પુરુષોમાં શુક્રપિંડનું કાર્ય ક્રમશ: ઘટવાના કારણે ટેસ્ટોસ્ટેરોનની ઊણપ સર્જાતી હોય છે. અમુક બીજા રોગો જેવા કે કિડનીની તકલીફો, સંધિવા અથવા એઇડ્સ જેવા રોગોની સારવારના ભાગરૂપે ટેસ્ટોસ્ટેરોનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
આ બધી જ અવસ્થાઓમાં જુદા જુદા પ્રકારના ટેસ્ટોસ્ટેરોન પ્રોડકટ્સ જુદા જુદા ડોઝમાં વપરાતા હોય છે. સ્વાભાવિક છે કે દરેક અવસ્થાનો હેતુ, લક્ષ્ય અને ફાયદા ભિન્ન હોય છે. જન્મથી જ શુક્રપિંડ અથવા તેના કાર્યની અછત ધરાવતા પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનો ઉપયોગ અનિવાર્ય છે. બાકીની અવસ્થામાં તેનો ફાયદો-નુકસાનની ગણતરી કરીને આ હોર્મોનનો ઉપયોગ કરવામાં આવે છે.
*તરુણ અવસ્થામાં ટેસ્ટોસ્ટેરોનનો ઉપયોગ
અમુક બાળકો ૧૫-૧૬ વર્ષની ઉંમર વટાવ્યા પછી પણ પુખ્તતા (પ્યુબર્ટી)માં પ્રવેશતા નથી. આમાંથી અમુક બાળકોમાં પુખ્તતાનો પ્રવેશ સરેરાશ ઉંમર કરતાં મોડો હોય છે. આ બાળકોને ત્રણ-ચાર મહિના ટેસ્ટોસ્ટેરોન હોર્મોન આપવાથી તેઓ પુખ્તતામાં પ્રવેશી શકતા હોય છે. ટેસ્ટોસ્ટેરોન આપવાથી તેઓ સ્વયં પુખ્તતામાં પ્રવેશી શકતા હોય છે. આના કારણે તેમનામાં ઊભી થતી અનેક માનસિક તકલીફો નિવારી શકાય છે.
*પુખ્ત અવસ્થામાં ટેસ્ટોસ્ટેરોનનો ઉપયોગ
અમુક જિનેટિક અથવા જન્મજાત બીમારીઓને કારણે અમુક બાળકોમાં ટેસ્ટોસ્ટેરોનની શરૂઆતથી ઊણપ હોય છે. જીવનના આગામી વર્ષોમાં અમુક સંજોગોમાં કોઇ ઇન્ફેકશન, ઇજા અથવા અમુક દવાઓના કારણે શુક્રપિંડનું કાર્ય ઘટી જાય છે. પરિણામ સ્વરૂપે આ વ્યક્તિઓને કાયમી ટેસ્ટોસ્ટેરોનની ઊણપ સર્જાતી હોય છે. ટેસ્ટોસ્ટેરોન શરીરનાં હાડકાં, સ્નાયુઓ, ચરબી, બ્રેઇન અને બીજાં અનેક અંગોનાં કાર્ય માટે આવશ્યક તત્વ છે. આ કારણસર વ્યક્તિને આ અંગોની આવી અનેક તકલીફો સર્જાતી હોય છે. ૧૫ વર્ષથી ઓછામાં ઓછા ૬૦-૬૫ વર્ષની ઉંમર સુધી સ્વસ્થ વ્યક્તિમાં ટેસ્ટોસ્ટેરોનની માત્રા નોર્મલ રેન્જમાં જળવાઇ રહેતી હોય છે અને વ્યક્તિ નોર્મલ જીવન જીવી શકતી હોય છે. આ કારણસર ‘હાઇપોગોનેડઝિમ’ ધરાવતા પુરુષોને ૧૫થી ૬૫ વર્ષની ઉંમર વચ્ચે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન આપવાની આવશ્યકતા સર્જાતી હોય છે. આ ટેસ્ટોસ્ટેરોન ઇંજેકશન, ટેબ્લેટ, પેચ અથવા જેલના સ્વરૂપે આપી શકાય છે.
*ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની વિવિધ અંગો પર અસર
-માનસિક ફાયદા
ટેસ્ટોસ્ટેરોનની ઊણપ ધરાવતા પુરુષોમાં ડિપ્રેશનની માત્રા વિશેષ હોય છે. ટેસ્ટોસ્ટેરોનની સારવાર દ્વારા તેમના ડિપ્રેશનમાં ઘટાડો થાય છે. ગુસ્સો, ચીડિયાપણું, હતાશા તથા થાકમાં ઘટાડો થાય છે. આ ટ્રિટમેન્ટના કારણે તેઓ વધારે ખુશ, સ્ફૂર્તિલા અને ઉત્સાહી બનતા હોય છે. આમ, ટેસ્ટોસ્ટેરોન દ્વારા તેમની વર્તણૂંકમાં મોટો તફાવત દેખાતો હોય છે.
-હિમોગ્લોબિન
ટેસ્ટોસ્ટેરોનની ઊણપ ધરાવતા પુરુષોમાં હિમોગ્લોબિનનું ઉત્પાદન ઘટી જાય છે. ટેસ્ટોસ્ટેરોન ટ્રિટમેન્ટ દ્વારા વ્યક્તિના હિમોગ્લોબિનમાં ૧૫થી ૨૦ ટકાનો વધારો થતો હોય છે.
-સ્નાયુઓ
ટેસ્ટોસ્ટેરોનની ઉણપને કારણે શક્તિના સ્નાયુઓ નબળા પડી જતા હોય છે. તેમના સ્નાયુઓનો વિકાસ થતો નથી અને જે સ્નાયુઓ હયાત હોય છે તેમની કાર્યશક્તિ ઘટેલી હોય છે. આ પરબિળની વ્યક્તિના દૈનિક જીવન ઉપર અસર પડતી હોય છે. ટેસ્ટોસ્ટેરોનના ઉપયોગ દ્વારા વ્યક્તિના સ્નાયુઓમાં બેથી પંદર ટકાનો વધારો થાય છે, તેમના સ્નાયુઓની ક્ષમતા તથા કાર્યશક્તિ વધવાના કારણે તેઓ તેમનું દૈનિક જીવન સારી રીતે જીવી શકતા હોય છે.
-ટેસ્ટોસ્ટેરોનના અન્ય ઉપયોગ
એઇડ્સની બીમારી ધરાવતા પુરુષોમાં ‘મસલ વેસ્ટિંગ’ના કારણે સ્નાયુઓ ક્ષીણ થઇ જતા હોય છે. ટેસ્ટોસ્ટેરોનના ઉપયોગ દ્વારા તેમના સ્નાયુઓમાં ૧૫ ટકા જેટલો વધારો થઇ શકે. કિડનીની બીમારી ધરાવતી વ્યક્તિઓમાં અનેકવાર ટેસ્ટોસ્ટેરોનની ઊણપના કારણે સેક્સ્યુઅલ તકલીફો સર્જાતી હોય છે. ટેસ્ટોસ્ટેરોન દ્વારા તેમની આ મુશ્કેલીઓ દૂર કરી શકાય. એ જ પ્રમાણે રુમેટોઇડ આર્થરાઇટિસ ધરાવતી વ્યક્તિઓમાં ટેસ્ટોસ્ટેરોનની ઊણપ સર્જાતી હોય છે અને ટેસ્ટોસ્ટેરોનના ઉપયોગ દ્વારા આ તેમની તકલીફો ઘટાડી શકાતી હોય છે.
-યાદશક્તિ
‘સાઠે બુદ્ધિ નાઠે’ એ ઉક્તિ પ્રમાણે ૬૦ વર્ષની ઉંમર વટાવ્યા પછી અનેક પુરુષોની યાદશક્તિ અને બુદ્ધિશક્તિમાં ઘટાડો થતો હોય છે. અનેક પરબિળો આ તકલીફ માટે જવાબદાર હોઇ શકે. આમાંથી એક પરબિળ ટેસ્ટોસ્ટેરોનની ઊણપ હોઇ શકે. ટેસ્ટોસ્ટેરોન આપવાથી વ્યક્તિની યાદશક્તિ અને બુદ્ધિશક્તિમાં સુધારો થઇ શકે.
-ચરબીની માત્રા
ટેસ્ટોસ્ટેરોનની ઊણપને કારણે શરીરમાં ચરબીની માત્રા અને તેમાંય ખાસ કરીને પેટ ઉપર ચરબીની માત્રા વધી જતી હોય છે. પેટ ઉપર ચરબી વધવાના કારણે વ્યક્તિને ડાયાબીટિસ, કોલેસ્ટેરોલ, હૃદયની બીમારી થવાના સંજોગો વધી જતા હોય છે. ટેસ્ટોસ્ટેરોનના ઉપયોગથી પેટ ઉપર ચરબીમાં લગભગ ૧૪ ટકા જેટલો ઘટાડો થતો હોય છે.
-હાડકાં
ટેસ્ટોસ્ટેરોનની ઊણપના કારણે પુરુષોનાં હાડકાં પોચાં પડી જાય છે. આ અવસ્થાને ‘ઓસ્ટિઓપોરોસિસ’ કહેવામાં આવે છે. ટેસ્ટોસ્ટેરોનના ઉપયોગ દ્વારા હાડકાંનો વિકાસ વધે છે અને ઘસારો ઘટે છે. ફળ સ્વરૂપે હાડકાં વધારે વિકસિત અને મજબૂત થતાં હોય છે. આ હોર્મોનની અસર મણકાઓની સાથે સાથે શરીરના અન્ય હાડકાં ઉપર પણ થતી હોય છે.
-સેક્સ્યુઅલ ફંકશન
ટેસ્ટોસ્ટેરોનની ઊણપના કારણે પુરુષોના સેક્સ્યુઅલ ફંકશન ઉપર અનેક લેવલ ઉપર આડઅસર થતી હોય છે. ટેસ્ટોસ્ટેરોન હોર્મોન દ્વારા સેક્સ્યુઅલ ફંકશનનાં અનેક પાસાંમાં સુધારો જોવા મળે છે. અલબત્ત, આ ફાયદો ટેસ્ટોસ્ટેરોનની કમી ધરાવતા નપુંસક વ્યક્તિઓમાં જ જોવા મળે છે. નપુંસકતા હોવાનાં અનેક શારીરિક, માનસિક અને હોર્મોનલ કારણો હોય છે. પરંતુ આ અવસ્થા ધરાવતા સાતથી પંદર ટકા પુરુષોમાં નપુંસકતાનું કારણ ટેસ્ટોસ્ટેરોનની ઊણપ હોય છે. આવી વ્યક્તિઓને યોગ્ય માત્રામાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની સારવારથી અનેક ફાયદા થાય છે.
ટેસ્ટોસ્ટેરોનના બે વિલક્ષણ ઉપયોગો છે: સ્ત્રીઓમાં ઉપયોગ અને જાતિ પરિવર્તન. સ્ત્રીઓમાં પણ ટેસ્ટોસ્ટેરોન ખૂબ નજીવી માત્રામાં ઉત્પન્ન થતો હોય છે જે તેમના ‘સેક્સ્યુલ ડિઝાયર’માં ઉપયોગી હોય છે. યુટેરસ અને ઓવેરઝિ કાઢયા પછી ટેસ્ટોસ્ટેરોનની ઊણપ સર્જાતી હોય છે. તેનાથી સેક્સ્યુઅલ ડિઝાયરમાં ઘટાડો થતો હોય છે. આ અવસ્થામાં નજીવી માત્રામાં ટેસ્ટોસ્ટેરોનના ઉપયોગ દ્વારા આ તકલીફ દૂર કરી શકાતી હોય છે. આ જ પ્રમાણે સ્ત્રીમાંથી પુરુષ બનવા માગતા ટ્રાન્સસેક્સ્યુઅલ વ્યક્તિમાં યુટેરસ અને ઓવેરઝિ કાઢયા પછી ટેસ્ટોસ્ટોરોન દ્વારા પુરુષનો બાહ્ય દેખાવ ઉત્પન્ન કરી શકાય છે.
આમ, ટેસ્ટોસ્ટેરોન પુરુષોનો એક મહત્વપૂર્ણ હોર્મોન છે. ટેસ્ટોસ્ટેરોનની ઊણપ ધરાવતા પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન ટ્રિટમેન્ટ દ્વારા આ પુરુષોની અનેક શારીરિક, માનસિક, સેક્સ્યુઅલ અને સામાજિક તકલીફો દૂર કરી શકાય છે.
No comments:
Post a Comment