Tuesday, 2 August 2011

ધ્યાન રાખો, કંઈ નાની સુની બીમારી નથી 'ટેનિસ એલ્બો'


પુરુષોને ટેનિસ એલ્બો થવાની સંભાવના સ્ત્રીઓ કરતાં ચાર ગણી વધારે હોય છે. જે વ્યક્તિઓને કાંડાનો તથા આંગળીઓનો તાકાતપૂર્વક ઉપયોગ કરવો પડતો હોય એવી વ્યક્તિઓને ટેનિસ એલ્બો થવાની શક્યતાઓ વધુ છે. કસરતો કરવાથી, વિવિધ થેરપી અને સર્જિકલ ટ્રીટમેન્ટથી ટેનિસ એલ્બોને કાયમ માટે દૂર પણ કરી શકાય છે.

 
નામ સાંભળીને આપણને સૌને એવું લાગે કે ‘ટેનિસ એલ્બો’ માત્ર ટેનિસ રમતાં હોય એને જ થાય, પરંતુ આ રોગ ટેનિસ રમતાં ખેલાડીઓ સિવાય પણ ઘણાં લોકોને સતાવતો હોય છે. સચિન તેંડુલકર ક્રિકેટ રમતો હોવા છતાં એને પણ ટેનિસ એલ્બોની પીડાને કારણે ઘણી મેચો રમવાની પડતી મૂકીને એને એની સારવાર કરાવવી પડી હતી.

 
‘ટેનિસ એલ્બો’ કેમ થાય છે?

 
કાંડા અને આંગળીઓના હલનચલન માટે જવાબદાર બધા સ્નાયુઓનો એક છેડો કોણીના બહારના ભાગ ઉપર ચીપકેલો હોય છે. આથી જેને પણ કાંડા અને આંગળીઓનું હલનચલન વધારે પડતું થતું હોય એને કોણીના બહારના ભાગ ઉપર ચીપકેલા સ્નાયુઓ ઉપર ખેંચાણ આવવાને કારણે સોજો આવે છે. જેના લીધે કોણીના બહારના ભાગ ઉપર દુખાવો થાય છે. આ દર્દ મોટાભાગના ટેનિસ પ્લેયરોને સહન કરવું પડતું હોવાથી ‘ટેનિસ એલ્બો’ તરીકે ઓળખાય છે.

 
કોને કોને થવાની સંભાવના હોય છે?

 
ટેનિસ એલ્બો આશરે 40 ટકા ટેનિસ રમતાં ખેલાડીઓને ક્યારેક અને ક્યારેક થાય જ છે. ટેનિસના ખેલાડીઓ સિવાય અન્ય લોકોમાં આ બીમારી સાધારણ રીતે 35 વર્ષ પછી જોવા મળે છે. જેમાં પુરુષોને ટેનિસ એલ્બો થવાની સંભાવના સ્ત્રીઓ કરતાં ચાર ગણી વધારે હોય છે. જે વ્યક્તિઓને કાંડાનો તથા આંગળીઓનો તાકાતપૂર્વક ઉપયોગ કરવો પડતો હોય એવી વ્યક્તિઓને થવાની શક્યતા વધુ છે. જેમ કે,

 
- ઘરકામ કરતી સ્ત્રીઓ
- સુથારીકામ કે કડિયાકામ કરતી વ્યક્તિઓ
- ઈલેક્ટ્રિશિયન
- ટાઇપિસ્ટ વગેરે

 
ટેનિસ એલ્બોનાં લક્ષણો:- રોજિંદું કામ જેવું કે વજન ઊંચકતી વખતે કે હાથના પંજામાં મજબૂત રીતે વસ્તુ પકડતી વખતે કોણીના બહારના ભાગમાં દુખાવો થાય.
- કોણીના બહારના ભાગ ઉપર દબાણ આપવાથી પણ દુખાવો થાય.- સવારે ઊઠતાંની સાથે જ થોડા સમય માટે કોણીનો સાંધો જકડાઇ જવો.

 
ટેનિસ એલ્બોનું નિદાન:સાધારણ રીતે ઓર્થોપેડિક સર્જન દર્દીનાં લક્ષણો ઉપરથી તથા એની તપાસ કરીને મોટાભાગના દર્દીમાં નિદાન કરી શકે છે, પરંતુ કોઇકવાર મૂંઝવણભર્યા કેસમાં સોનોગ્રાફી કે એમ.આર.આઇ.ની તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે. ટેનિસ એલ્બોનું એક્સ-રે ઉપરથી નિદાન થઇ શકતું નથી.

 
ટેનિસ એલ્બો ન થાય એના માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:- ટેનિસના ખેલાડીઓને ભવિષ્યમાં ટેનિસ એલ્બો ન થાય એ માટે કોચ દ્વારા તેની યોગ્ય તાલીમ આપવામાં આવે છે.
- અન્ય વ્યક્તિઓને ટેનિસ એલ્બો ન થાય તે માટે પંજા અને કોણીના સ્નાયુઓને મજબૂત કરે એવી કસરતો કરવી જોઇએ. કસરતથી ટેનીસ એલ્બો થવાની શક્યતાને નિવારી શકાય છે.

 
ટેનિસ એલ્બો માટે ઘરગથ્થુ ઇલાજ:- પ્રવૃત્તિમાં ફેરફાર જેમ કે ટેનિસ એલ્બો થયેલ હાથે વજન ન ઊંચકવું. કામકાજ કરતી વખતે કાંડાનું હલનચલન ઓછું થાય એવી કાળજી રાખવી.
- સ્વચ્છ કપડામાં બરફ લઇ કોણીના દુખાવાવાળા ભાગ ઉપર ૧૦ થી ૧૫ મિનિટ દિવસમાં ઓછામાં ઓછો બે થી ત્રણ વાર ઘસવો.
- કોણીની નીચે જેવી રીતે ટેનિસના ખેલાડીઓ રમતી વખત પટ્ટો પહેરી રાખે છે એવી રીતે કામકાજ કરતી વખતે પટ્ટો પહેરી રાખવો.
- અતિશય દુખાવો હોય ત્યારે એ હાથને આરામ આપવો.

 
ફિઝિયોથેરપી:- આશરે ૧૦ થી ૧૫ દિવસ સુધી ફિઝિયોથેરપિસ્ટ પાસે અલ્ટ્રા સાઉન્ડનો શેક કરાવવાથી પણ દુખાવામાં રાહત મળે છે.
- કાંડાના સ્નાયુઓની અને સ્ટ્રેન્ધનિંગ કસરતો કરવાથી કોણીનો દુખાવો ફરી થતો અટકાવી શકાય છે.
- ઇલેક્ટ્રિક સ્ટીમ્યુલેશનથી પણ રાહત થાય છે.

 
ઇન્જેકશન થેરપી: જે દર્દીઓને દવા અને ફિઝિયોથેરપીથી રાહત ન થાય તો ઓર્થોપેડિક સર્જન દ્વારા કોણીની બહારના ભાગમાં કે જ્યાં દુખાવો હોય છે ત્યાં ઇન્જેકશન આપવામાં આવે છે, જેનાથી દુખાવો મટી જાય છે.

 
શોક વેવ થેરપી: કિડનીની પથરી તોડવા માટે જે લેસર કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે એ પ્રકારનાં લેસર કિરણો અમુક માત્રામાં આપવાથી પણ ટેનિસ એલ્બોનો દુખાવો દૂર થઇ જાય છે.

 
સર્જિકલ ટ્રીટમેન્ટ: ઉપરના કોઇ ઉપાય જો કારગત ન નીવડે તો છેલ્લે ઓર્થોપેડિક સર્જન ઓપરેશનની સલાહ આપે છે. જેમાં કોણીના બહારના ભાગનું હાડકું ખોતરીને એની ઉપર ચીપકેલો સ્નાયુ ઢીલો કરવામાં આવે છે.

No comments:

Post a Comment