Thursday, 4 August 2011

મળમાર્ગે જતા લોહીનાં કારણો અને ઉપચારો

 
મળ પ્રવૃત્તિ વખતે મળ સાથે લોહી પડે તે માટે પાંચ રોગ કારણભૂત હોય છે. એ પાંચ કારણો ક્યાં છે? એની વિસ્તૃત ચર્ચા કરીએ.

દુઝતા હરસ : આવા રોગીને સખત કબજિયાત હોય છે. કઠણ મળપ્રવૃત્તિ વખતે મળ ઉપર હરસનો કાપો જોવા મળે છે. મળપ્રવૃત્તિ પછી લોહી ટીપે ટીપે કે ધાર રૂપે પડે છે. એ સ્થાન પર આંગળીથી સ્પર્શ કરવામાં આવે તો ત્યાં હરસ જોવા મળે છે.

દુઝતા હરસમાં મળ ઢીલો આવે તે માટે રાત્રે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ પાણી સાથે લેવું. શેકેલા ઇન્દ્રજવનું ચૂર્ણ ૩-૩ ગ્રામ ત્રણ વખત પાણી સાથે લેવું. ઝાડો સુંવાળો લાવવા ઇસબગુલ પણ વાપરી શકાય. તેલનું મળમાર્ગમાં પોતું મૂકવાથી પણ જલદી રાહત થાય છે.

મરડો : મરડાના રોગીને મળપ્રવૃત્તિ વખતે પેટમાં મરોડ આવે છે. મળપ્રવૃત્તિ વખતે ખૂબ જોર કરવું પડે છે. મળ સાથે કાળા રંગના લોહીનું મિશ્રણ જોવા મળે છે. મળ સાથે પાક-પરુ જેવો ચીકણો પદાર્થ પણ હોય છે. સ્ટૂલ ટેસ્ટ કરાવતા મરડાના જંતુ જોવા મળે છે.

મરડાના રોગીએ મોળી છાસ પીવી. કડાછાબનું ચૂર્ણ છાસ સાથે લેવું. કુટજઘનવટીની ૨-૨ ગોળી દિવસમાં ત્રણ વખત પાણી સાથે લેવી. આ ઉપરાંત બિલ્વાદિ ચૂર્ણ ગંગાધર ચૂર્ણ લેવાથી પણ ફાયદો થાય છે.

મળમાર્ગના કાપા : સાંપ્રત વિજ્ઞાનમાં આ રોગને ફશિર કહે છે. મળપ્રવૃત્તિ વખતે અસહ્ય વેદના થાય, વેદનાની બીકે ઘણીવાર મળપ્રવૃત્તિ થયા પછી લાંબો સમય બળતરા રહે. લોહી સાથે કોઇ વાર પરુ પણ પડે. દદીgને બેસતાં, ઊઠતાં કે હલનચલન કરતાં મળમાર્ગમાં વેદના થાય વગેરે લક્ષણો ફશિરનાં છે.

ખોરાકમાં ખટાશ બિલકુલ બંધ કરી દેવી. ત્રિફળાગૂગળ અને કાંચનાર ગૂગળની ૪-૪=૮ ગોળી દિવસમાં ત્રણ વખત પાણી સાથે ગળવી. મળ સુંવાળો આવે એટલા માટે રાત્રે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ પાણી સાથે લેવું. મળમાર્ગમાં જાત્યાદિ તેલ કે જાત્યાદિ મલમનું પોતું મૂકવું.

લોહીના ઝાડા : આ રોગમાં મળપ્રવૃત્તિ ઘણી પાતળી થાય, ઝાડામાં પુષ્કળ લોહી પડે, મળ ખૂબ દુર્ગંધ મારે, વારંવાર ઝાડે જવું પડે. આમાં દર્દીને મળપ્રવૃત્તિ વખતે દુખાવો કે બળતરા થતાં નથી. પરંતુ અશક્તિ ખૂબ વર્તાતી હોય છે.
આવા રોગીએ આહાર તદ્દન બંધ કરી બકરીના દૂધ ઉપર જ રહેવું જોઇએ. શતાવરી ચૂર્ણ દૂધમાં ઉકાળીને પીવું. તેમાં સાકર કે એલચી નાખી શકાય. શોણિતાર્ગલ રસની ૨-૨ ગોળી દિવસમાં ત્રણ વખત પાણી સાથે લેવી. ચંદ્રકલારસ કે બોલપર્પટીનું સેવન કરવું જોઇએ.

અધોગત રક્તપિત્ત : આ રોગમાં મળ કરતાં લોહી વધારે જોવા મળે છે. ઘણીવાર મળ બિલકુલ નહીં, માત્ર લોહી જ જોવા મળે છે. આવા રોગીને મળ સાથે મૂત્રપ્રવૃત્તિ વખતે પણ લોહી પડતું જોવા મળે છે. આંખોમાં, હાથ-પગનાં તિળયે, છાતીમાં બળતરા થતી હોય છે. રોગીનું શરીર ગરમ લાગે છે. મળ વાટે પડતું લોહી વાસ મારતું અને અશુદ્ધ હોય છે. રોગી ખાટા ઓડકાર કે અપચાની ફરિયાદ કરતો હોય છે. રોગીના શરીરે બળતરા થાય છે અને હાથ-પગમાં કળતર થાય છે.

આવા રોગી માટે અરડૂસીનો રસ શ્રેષ્ઠ છે. અરડૂસીનાં તાજાં લીલાં પાનનો ૩૦થી ૪૦ મિ.લિ. રસ દિવસમાં ૨ થી ૩ વખત આપવો જોઇએ. શતાવરી ચૂર્ણ દૂધમાં નાખી ઉકાળી રોગીને પાવું જોઇએ. શંખભસ્મ, કોડીભસ્મ, પ્રવાલભસ્મ જેવા કેલ્શિયમવાળાં ઔષધો ઉપયોગી નીવડે છે. શોણિતાર્ગલ રસ અને બોલપર્પટી રોગીને આપી શકાય.
દાડમનો રસ ખૂબ સારો છે. બીલાનું શરબત, સાકર, આમળાં, શતાવરી, ચંદન, જેઠીમધ, દ્રાક્ષ, ધાણા જેવાં શીતળ દ્રવ્યો રોગી માટે ખૂબ જ ઉપયોગી છે.

No comments:

Post a Comment