Monday, 25 July 2011

કરોડરજ્જુને ખતમ કરી મગજ પર વાર કરતા નવા શત્રુનો ખતરો



અમેરિકી વિજ્ઞાનીઓએ એક એવા વાઈરલ ફીવરનો ખતરો શોધી કાઢ્યો છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને નુકસાન પહોંચાડીને માંસપેશીઓને વિકૃત બનાવી દે છે. દુનિયાભરમાં અત્યાર સુધી 25 લાખ લોકો આ નવા શત્રુનો શિકાર બની ચૂક્યા છે. વિજ્ઞાનીઓની આંતરરાષ્ટ્રીય ટીમના જણાવ્યા પ્રમાણે એપસ્ટેન-બેર વાઈરસ (ઈબીવી)ને કારણે શરીર મલ્ટીપલ સ્કલરોસિસ (એમએસ)નો ભોગ બની શકે છે, જે રોગપ્રતિકારક શક્તિને ખતમ કરે છે તથા શરીરના બે મહત્વના અંગ કરોજરજ્જુ અને મગજને વ્યાપક નુકસાન પહોંચાડે છે. સ્કલરોસિસની વિકૃતિને કારણે શરીરની માંસપેશીઓ કઠણ બની જાય છે.

ન્યુરોલોજી જર્નલમાં પ્રસિદ્ધ અહેવાલ મુજબ આ તારણો માટે વિજ્ઞાનીઓએ વાઈરલ ફીવરનો ભોગ બનેલા 300 લોકોની તપાસ કરી હતી. વિજ્ઞાનીઓની આંતરરાષ્ટ્રીય ટીમના વડા ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના પ્રોફેસર રોબીન લુકાસે જણાવ્યું હતું કે ઈબીવીની ઉપસ્થિતને કારણે શરીરને ગંભીર નુકસાન પહોંચતું હોવાના નક્કર પુરાવા અમે શોધી કાઢ્યા છે. રોગપ્રતિકારક શક્તિના ચોક્કસ જીન સાથે તેનો ગાઢ સંબંધ છે. એમએસની બિમારી વિશ્વમાં 25 લાખ લોકોને અસર પહોંચાડી ચૂકી છે. આ બિમારીને કારણે સીો મગજ અને કરોડરજ્જુ પર વાર થાય છે. સંશોધકોના મતે યુવાન મહિલાઓ આ વાઈરલ ફીવરનો શિકાર બને એવી વધુ શક્યતાઓ રહેલી છે.

પ્રોફેસર લુકાસ જણાવે છે કે આ તારણો અગાઉ થયેલા અભ્યાસના તારણો સાથે સુસંગત છે. અગાઉના અભ્યાસમાં પણ ઈબીવી અને એમએસ વચ્ચેના ગાઢ સંબંધોના સંકેતો મળ્યા હતા. લુકાસના મતે નવા સંશોધનના તારણો વધુ અભ્યાસ માટે પણ ઉપયોગી છે.

No comments:

Post a Comment