મલ્ટીનેશનલ’ શબ્દ જગતભરમાં વ્યાપેલી વેપારી કંપનીઓ માટે વપરાય છે. તે પ્રકારે આજે જગતમાં મલ્ટીનેશનલ-અબળખા શું છે? જગતભરના લોકોને સદાકાળ યુવાન રહેવું છે. તેમાં સૌથી વધુ આતુરતા અમેરિકનોની છે. દર બેત્રણ વર્ષે ‘ધ સાયન્ટિફિક અમેરિકન’ નામનું વિજ્ઞાનનું મેગેઝિન ‘વૃદ્ધત્વ કેમ ટાળવું?’ ‘સદાકાળ યુવાન કેમ રહેવું?’ તે વિષેના ખાસ અંકો પ્રકટ કરે છે. માત્ર પાંચ વર્ષમાં મારી પાસે અજરઅમર કેમ રહેવું તે વિષેનાં સાત પુસ્તકો વસી ગયાં છે. દર વર્ષે યૌવન જાળવવાના નવા નવા નુસખા અને પુસ્તકો પ્રગટ થાય છે. ‘મેલાટોનીન’ નામની દવાથી માંડીને મનુષ્યમાં વાંદરાના વૃષણની રોપણી કરવાના અખતરા થયા છે.
પરંતુ હજી સુધી યૌવન ટકાવવાની ચોટડુક દવા શોધાઇ નથી. ઇંગ્લેંડની ગ્લાસગો યુનિવર્સિટીની મેડિકલ કોલેજના પ્રોફેસરે ‘ધ મન્કી ગ્લેન્ડ અફેર’ નામનું પુસ્તક લખીને ૧૯૮૭માં સનસનાટી ફેલાવી હતી. ૧૧૩ વર્ષ પહેલાં ફ્રાંસના મેડિકલ પ્રોફેસર ચાર્લ્સ એડવર્ડે વાંદરાના વૃષણમાંથી અમુક સત્ત્વો કાઢીને ઇંજેકશનો લીધાં હતાં. ૭૨ વર્ષની વયે તેમને થોડો સમય જુવાનીની ચમત્કારી અસર થઇ પણ પછી કિડની ખરાબ થઇ ગઇ.
૨૧મી સદી બેસી રહી હતી ત્યારે જગતના વિજ્ઞાનીઓ ૨૦૫૦ની સાલ સુધીમાં વિજ્ઞાનના ક્ષેત્રે કેવી કેવી સિદ્ધિ હાંસલ થશે તેનાં લેખાંજોખાં માંડતા હતા. અમેરિકાના પ્રતિષ્ઠિત મેગેઝિન ‘સાયન્ટિફિક અમેરિકને’ ડિસેંબર ૧૯૯૯નો ખાસ અંક પ્રકટ કરેલો. આજે ૨૧મી સદીમાં ડિસ્કવરી ચેનલે સદાકાળ યુવાન કેમ રહેવાય, યૌવન કેમ ટકાવાય તે વિષે એક કાર્યક્રમ તૈયાર કરવા માંડ્યો છે. તે માટે મુંબઇના આયુર્વેદના વૈધ ડો. પંકજ નરમનો આયુર્વેદનો નુસખો જાણવા કોશિશ કરી છે.
આગળ લખું તે પહેલાં જલદીથી જણાવી દઉં કે લેખને અંતે યૌવન જાળવવાની નૈસર્ગિક રીત બતાવવાનો છું, પણ સૌથી ઉત્તમ પુસ્તક વાંચવું હોય તો નોર્મન કઝિન્સનું પુસ્તક ‘હેડ ફર્સ્ટ’ વાંચવું. તેનું પેટામથાળું છે, ‘ધ બાયોલોજી ઓફ હોપ એન્ડ ધ હીલિંગ પાવર ઓફ ધ હ્યુમન સ્પિરિટ.’ નોર્મન કઝિન્સ અમેરિકાના બુદ્ધિમત્તા માટેના મેગેઝિન ‘સેટરડે રિવ્યુ’ના તંત્રી હતા. તેમને હૃદયના રોગ સાથે બીજા રોગો થયેલા. તે રોગને વગર દવાએ મટાડયા હતા. તેમના પુસ્તક ‘ધ હીલિંગ હાર્ટ’માં તેણે પોતાનો અનુભવ લખ્યો છે.
‘હૃદયને હેમખેમ રાખો’ના મથાળા સાથે મેં તેનો અનુવાદ કર્યો છે. આ લેખ પૂરતું ‘હેડ ફર્સ્ટ’ નામનું પુસ્તક ઉપયોગી છે. નોર્મન કઝિન્સ કહે છે કે આશા એક જબરું ઔષધ છે - જડીબુટ્ટી છે. માનવીએ માત્ર બાહ્ય ઉપચારો નહીં પણ આંતરિક ઉપચાર કરવા જોઇએ. હ્યુમન સ્પિરિટ ઊંચો રાખીને કોઇપણ હાલતમાં નિરાશ ન થવું. આ સ્પિરિટ જ તમને સદાકાળ યુવાન રાખે છે.
મારી પાસે ‘એન્શિયન્ટ સિક્રેટ ઓફ ફાઉન્ટન ઓફ યૂથ’ નામનું પુસ્તક છે. તેના લેખક પિટર કેલડરે વાચકને ખાસ સૂચન લખ્યું છે, ‘પુસ્તકમાં હું ગમે તે બાહ્ય ઉપચાર વર્ણવું પણ યાદ રાખજો કે તમે બાહ્ય રીતે જે ફાઉન્ટન ઓફ યૂથની શોધ કરો છો તે યૌવનના ફુવારા તમને માત્ર બહારથી નહીં મળે. તમારે તમારી અંદર પણ જોવું પડશે. તાત્પર્ય કે તમે જો તમારી આત્મખોજ કરશો તો યુવાન રહેવાનો ઉપચાર તમારી અંદરથી જ મળશે.’ નોર્મન કઝિન્સ જેવી જ વાત આ લેખક કહે છે. નોર્મન કઝિન્સે તો હસતા રહેવું અને આશાવંત રહેવું તેને જ સદાકાળ યૌવનની સુવર્ણ ચાવી ગણી છે.
આજના યુગમાં યૌવનની વ્યાખ્યા જરા આંકડામાંથી બહાર આવીને નક્કી કરવી પડશે. ‘સાયન્ટિફિકલી’(!) ૧૩થી ૧૯ વર્ષની ઉંમરને ટિનેજર કહે છે. આપણી ભાષામાં કૌમાર્ય શબ્દ છે તે વધુ વરવો છે. એ પછી એડોલસન્સ એટલે પુખ્તતા કહેવાય છે અને પછી ૫૦ કે ૬૦ વર્ષને વૃદ્ધાવસ્થા ગણાય છે અને આ ‘વૃદ્ધાવસ્થા’ કે ‘કાકા’ થઇ જવું કે ‘દાદા’ થઇ જવું કોઇને ગમતું નથી. વીકીપીડીયાની યૂથફુલનેસની વ્યાખ્યા ૨૧મી સદીને અનુરૂપ છે: યૌવન એટલે શું:ફ્રેશનેસ, વાઇટાલિટી, મેરયોરિટી, સલાડ ડેઝ, એનર્જી અને ઓરા. તમારામાં તાજગી હોવી જોઇએ. કૌવત હોવું જોઇએ. ડહાપણ હોવું જોઇએ.
સલાડ ડેઝ એટલે કે લીલાછમ દિવસોવાળી ઉંમર-ઓછા અનુભવવાળી સાહસિકતા તરફ પ્રેરતી ઉંમર, ઊર્જાથી ભરેલી ઉંમર. આ વ્યાખ્યા પ્રમાણે નમ્રતાપૂર્વક હું કહી શકું કે ૭૫ની ઉમરમાં પ્રવેશું છું ત્યારે આ બધું જ મારામાં છે. પંડિત જવાહરલાલ નહેરુ ભાવનગર આવેલા. લાંઘા ભરીને તે ચાલતા હતા અને પોલીસની હારમાળા તોડીને લોકોને તેઓ પોતાને પહેરાવેલા ફૂલના હાર ફેંકતા હતા. તે યુવાનને શરમાવે તેવી ફ્રેશનેસ, વાઇટાલિટી, ઓરા અને એનર્જી ધરાવતા હતા. એટલે ૫૦ની ઉપરના લોકો આ લેખ વાંચે તેણે હૈયાધારણ રાખવી કે તમે સદાકાળ યુવાન રહી શકો છો. માત્ર તમારી રહેણીકરણી અને જીવન પ્રત્યેનો ઉમંગ હોવો જોઇએ.
‘ધ સાયન્સ ઓફ સ્ટેયિંગ યંગ’ નામનો લેખ ‘સાયન્ટિફિક અમેરિકન’ના ૨૦૦૪ના વર્ષમાં છપાયેલો. તેમાં ડો. માર્ક એલન, ડો. ડોનાલ્ડ ઇનગ્રામ અને ડો. જયોર્જ રોથ નામના ત્રણ ડોકટરોએ જાહેર કર્યું છે કે સરકારી લેબોરેટરીઓ, વિજ્ઞાનીઓની લેબોરેટરી અને દવા કંપનીઓ એવું ડ્રગ શોધી રહી છે, જેના થકી માનવી લાંબું જીવે અને ‘યૂથફુલ વિગર’ (યૌવનનું કૌવત) જળવાઇ રહે. પરંતુ આજ સુધી હજી એવી કોઇ દવા શોધાઇ નથી જે માણસને વૃદ્ધ થતો અટકાવે. એટલે આ ત્રણ વિજ્ઞાનીઓની વાત માનીને વાચકે કòપા કરીને અમેરિકા, જર્મની, ફ્રાંસ કે ઇટાલીથી કોઇ નવયૌવન પ્રાપ્ત કરવાની દવાથી તમને ભરમાવે તો ભરમાવું નહીં. નવયૌવન ટકાવી રાખવાનો નુસખો તો આખરે ભારતમાં અને તિબેટમાં જ છે. ડો. એની બેસન્ટ તિબેટ જઇને થિયોસોફિસ્ટો માટે લાંબું જ નહીં પણ તંદુરસ્ત જીવવાનો નુસખો લઇ આવેલા.
બીજી સદીમાં તો માર્કસ ઓરેલિયસ નામના શહેનશાહના રાજમાં સરેરાશ આયુષ્ય માત્ર ૨૫ વર્ષ હતી. ૨૧મી સદીમાં તે પશ્વિમમાં ત્રણગણી વધી છે અને ૨૦૫૦ સુધીમાં સરેરાશ વય ૧૦૦ની થઇ જશે, પરંતુ આ તો એલોપથી અગર પશ્વિમના વિજ્ઞાનીઓએ કહેલી વાત છે. લાંબું જીવવું અને સ્વસ્થ તેમ જ સતત તાજગીભર્યું - યૌવનભરેલું જીવવું તે તદ્દન જુદી વાત છે.
સાયન્ટિફિક અમેરિકને ટાંકેલા આંકડા પ્રમાણે ૧૯૦૦ની સાલમાં ૧.૭ કરોડ લોકો જગતભરમાં ૬૫ વર્ષ કે વધુના હતા. ૨૦૦૨માં આ આંકડો ૬૦.૬ કરોડનો થયો. ૨૦૫૦માં આ આંકડો ૧.૯ અબજનો થશે. એટલે કે જગતની પાંચમા ભાગની વસતિ ‘વૃદ્ધ’ હશે. શું તમારે આ વૃદ્ધની વ્યાખ્યામાં આવવું છે? તમને શું કોઇને નથી આવવું! ડો. માઇકલ રોઝ નામના લેખકે લખેલું કે યૌવન ટકાવવા કોઇ એક જ રામબાણ ઇલાજ ન હોઈ શકે.
માનવીના શરીરમાં જુદી જુદી વિઘ્વંસાત્મક જીવ રાસાયણિક પ્રક્રિયા (બાયોલોજિકલ એકશન) થતી હોય છે તે પ્રક્રિયાને ખાળવી જોઇએ - રોકવી જોઇએ. ડો. માઇકલ રોઝે એકરાર કર્યોછે કે ભૂતકાળમાં જુદી જુદી માનવ-સંસ્કૃતિમાં વૃદ્ધત્વ ટાળવા અને વાયટાલિટી જાળવી રાખવાના ઇલાજો શોધાયા છે (વરચે હું કહી દઉં કે આજના બજારમાં મળતા રયવનપ્રાશમાંથી નવયૌવન શોધશો નહીં. નુકસાન થશે - આડેધડ વાપરશો તો.)
જાપાનના આઘ્યાત્મિક ગુરુઓ માઇક્રોબાયોટિક-ડાયેટની વાત કરવા માંડ્યા છે એટલે કે સ્પેશિયલી ઉગાડેલા ડાંગરના ચોખાને બાફીને પછી તેના બેચાર કોળિયા ખૂબ ચાવી ચાવીને ખાવા અને મધનું સેવન કરવું. પણ તેનાથી સદાય યૌવન આવ્યું નથી. એલોપથીમાં હોર્મોન થેરપી અજમાવીને વૃદ્ધત્વ ટાળવાની ટ્રિક નિષ્ફળ ગઇ છે. તેનાથી ઘણી આડઅસરો પણ થઇ છે. હવે જીન (ઞ્રફર) થેરપીની વાતો થાય છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ઇવોલ્યુશનરી બાયોલોજીના વિષયના નિષ્ણાત ડો. માઇકલ રોઝ માને છે કે ૨૦૫૦ની સાલ સુધીમાં વિજ્ઞાનીઓ વૃદ્ધત્વ નિવારવાના ઇલાજ શોધી શકશે.
ડો. માઇકલ રોઝનો આભાર માનવો રહ્યો કે પોતાના લેખમાં તેમણે સ્વીકાર કર્યો છે કે ભારતના યોગીઓ કે ઋષિમુનિઓ કે સિદ્ધપુરુષો યોગસાધનાથી વૃદ્ધત્વને ઠેલી શકતા હતા. અર્થાત્ ભારત પાસે તો સદાય યુવાન રહેવાની વિધા અગર જ્ઞાન તો સદીઓથી પડેલું જ છે. આપણે ૨૦૫૦ની રાહ જોવાની નથી. વડોદરાથી ૧ કલાકને રસ્તે આવેલા મલાવ ગામે સ્વામી રાજર્ષિમુનિને હું મળવા ગયો ત્યારે તેઓ યોગસાધના અને દિવ્યદેહની પ્રાપ્તિ માટેના અભિયાનમાં સમર્પિત જીવન જીવતા હતા.
૨૧મી સદીમાં તેમને ઘણું જોવાનું મળ્યું પણ હજીય તમને ઘણું નવું નવું જોવાનું મળશે. ૨૦૫૦ની સાલમાં માનવી ચંદ્ર ઉપર વસશે તે જોવાની આપણને અબળખા છે. આજે ૬૦ વર્ષનો ગુજરાતી ૧૧૦ વર્ષનો થાય ત્યારે (જો તે ૧૧૦ વર્ષ સુધી જીવવાની ટેકનિક શીખે તો) તેને જરૂર ચંદ્ર ઉપર જ નહીં પણ બીજા ઘણા ગ્રહો પર માનવી વસશે તે જોવા મળશે.
પરંતુ લાંબું જીવવા માટે જ નહીં પણ સંપૂર્ણ સ્વસ્થ જીવવા માટે ઘણા ભોગ આપવા પડે. મેં પોતે રાજર્ષિમુનિને મારે માટે પૂછેલું. મેં ઇચ્છા વ્યક્ત કરેલી કે હવે ૮૦ વર્ષે નિવૃત્ત થવું છે. પત્રકારત્વથી કંટાળો આવે છે. રાજર્ષિમુનિએ કહેલું કે પત્રકારત્વને વળગી રહો. એ વિષયમાં જ વિવિધતા લાવો. સાદું જીવો. તમારે ભગવાં કપડાં પહેરવાની જરૂર નથી. કસોટી આવે કે કષ્ટ પડે ત્યારે આશાવંત રહેવા માટે કોઇ પણ મંત્રનું રટણ કરો. યોગસાધના પણ કરી શકો છો. શ્વેતાશ્વેતર ઉપનિષદમાં ગેરંટી અપાઇ છે કે તમે આ જન્મમાં, આજની ૨૧મી સદીમાં પણ દિવ્યદેહ પ્રાપ્ત કરીને વૃદ્ધાવસ્થા નિવારી શકો છો. દિવ્યદેહની વ્યાખ્યા ઉપનિષદમાં આ પ્રમાણે છે:
ન તસ્ય રોગોન જરા ન મૃત્યુ:પ્રાપ્તસ્ય યોગાગ્નિમય શરીરમ્
જે સાધક યોગની અગ્નિમાં તપીને દિવ્ય શરીર પ્રાપ્ત કરે છે તેને રોગ થતો નથી, વૃદ્ધાવસ્થા આવતી નથી કે મૃત્યુ આવતું નથી. અહીં કોઇ બાહ્ય દવાની વાત નથી. હું કોઇ એલોપથી કે આયુર્વેદની દવામાં માનતો નથી. એટલે કે યૌવન ટકાવવા માટે આયુર્વેદની દવામાં પણ માનતા નહીં. ઔષધ તમારી અંદર જ છે.
રાજર્ષિમુનિએ મને કહ્યું કે ધારો કે ૨૦૫૦માં વિજ્ઞાનીઓ જીનથેરપી કે સ્ટેમસેલ્સ કે કોઇપણ થેરપીથી તમને ૧૧૦-૧૨૦ કે ૧૩૦ વર્ષના આયુષ્યવાળા બનાવશે પણ તમે રોગમુકત હશો? આજે જ અમેરિકામાં ૬૫ વર્ષના લોકો સવારે એક ડઝન ટીકડીઓ ગળતા હોય છે. સાયન્ટિફિક તિકડમથી ૧૫૦ વર્ષના થાઓ પણ સાંધા દુ:ખતા હોય, ઊંઘ ન આવે, આંખે દેખાતું ન હોય તો માત્ર આવરદામાં રોગિષ્ઠ વર્ષોની સંખ્યા વધારવાનો શો ફાયદો છે?
સ્ટેમ સેલ્સનું સંશોધન થઇ રહ્યું છે. વિજ્ઞાનીઓ કહે છે કે આપણા શરીરમાં જ એવા અજરઅમર કોષો છે જેને અલગ પાડીને તે કોષો દ્વારા નવાં અંગો પેદા થઇ શકે છે, પરંતુ રાજર્ષિમુનિ કહે છે કે માત્ર યોગસાધના દ્વારા જ માનવી આવી રીતે કોષોનું નવીનીકરણ કરી શકે છે. લંડનથી પ્રગટ થતા ‘ધ ઇકોનોસ્ટે’ એ ૨૫-૯-૦૪ના અંકમાં ૨૧મી સદીમાં અમેરિકનોની સરેરાશ આવરદા વધી છે તે વાતની મજાક ઉડાવી હતી. અમેરિકામાં દરેક છઠ્ઠો માણસ ૬૫ વર્ષનો કે વધુનો છે. ૨૫ ટકા મતદારો આ ઉંમરના છે. અમેરિકામાં ૨૫ ટકા મતદાન જ ઘણી વખત થાય છે.
વૃદ્ધો થકી જ જાણે અમેરિકન પ્રમુખ ચૂંટાય છે! આવરદા વધે છે પણ અમેરિકાની મેડિકેરનું બજેટ જોયું છે? અમેરિકન ‘તિજોરી’ને દર વર્ષે આ વૃદ્ધ-રોગિષ્ઠ જમાતને જીવતી રાખવા ૨૮૧ અબજ ડોલરનો ખર્ચ ૨૦૦૩માં થયેલો. આજે તે વધીને ૩૨૫ અબજ ડોલરનો થયો છે. આ ઉપરાંત ગરીબોને અમેરિકામાં તબીબી મદદ મળે છે. તેનો ખર્ચ ૨૦૦૩માં ૨૭૦ અબજ ડોલર હતો. આમ ૫૦૦થી ૬૦૦ અબજ ડોલરનો તો સરકારી ખર્ચ થયો. આ બતાવે છે કે આખું અમેરિકા રોગિષ્ઠ છે. તેથી જ આજે અમેરિકાના ડો. દીપક ચોપરા, મહર્ષિ મહેશ યોગી, ડો. પાર્થસારથિ અને ડો. પંકજ નરમની બોલબાલા છે.
જો તંદુરસ્ત લાંબું આયુષ્ય હોય તો ‘ધ ઇકોનોમિસ્ટ’ના ૨૦૦૨ના આંકડા પ્રમાણે સરેરાશ ૭૮.૫ વર્ષ જીવતો ઇઝરાયલનો યહૂદી તેમ જ સિંગાપોરનો માનવી લાંબું પણ તંદુરસ્ત જીવે છે. ભારતનો નંબર ખૂબ આઘો છે. ભારતમાં તંદુરસ્ત જીવન જીવનારા સરેરાશ ૬૦ વર્ષના બહુ ઓછા છે. એ વર્ષના આંકડા પ્રમાણે ઇટાલીમાં વૃદ્ધોની વસતિ સૌથી વધુ છે. તે પછી જાપાન, જર્મની, ગ્રીસ, સ્વીડન, સ્પેન, સ્વિત્ઝરલેન્ડ અને અમેરિકાનો નંબર આવે છે. ભારત ભાગ્યશાળી છે કે ભારતનો યુવાન ફોર્સ એટલે કે યુવાની ભોગવતો વર્ગ યુરોપ-અમેરિકા કરતાં સૌથી વધુ છે. આપણી ૪૦ ટકા વસતિ ‘યૌવન’વાળી છે. પણ આ યૌવનને થનગનતું રાખીને ૬૦ કે ૭૦ વર્ષે કે ૮૦ વર્ષે થનગનતા રહેવાનું તમારા હાથમાં છે.
બિલાડી કે ઘોડાનો દાખલો રમૂજી રીતે ડો. એમ. એલ. સિમેન્સે આપ્યો છે. તેમણે કહ્યું છે કે બિલાડો કે બિલાડી અને ઘોડો કે ઘોડી કોઇપણ ઉમરે બરચાં પેદા કરી શકે છે. તેમની સેકસશકિત એવી ને એવી રહે છે. બિલાડી નિયમિત રીતે સમતોલ ખોરાક ખાય છે, કદી જ પેટ ભરીને ખાતી નથી. શરીરના પોષણ પૂરતું ખાય છે. ભૂખી થાય તો જ ઉંદરના શિકારે નીકળે છે. બિલાડીને પીંજરામાં પૂરો તોય કૂદાકૂદ કરે છે. આંટા મારે છે - શરીરને લંબાવે છે. સ્ટ્રિપિંગ કરે છે. એટલે જ બિલાડા કે બિલાડી જાતીય પ્રવૃત્તિમાં વૃદ્ધ થતાં નથી. ઘોડો કે ઘોડી ચારો મળે તે ખાય છે.
ઘોડાને રેસમાં દોડાવવા પરાણે વધુ ખવડાવાય છે, તે ઘોડા વહેલા મરે છે. ઘોડાને માલિક વ્યાયામ ન કરાવે તો પણ ઘોડાઓ જંગલમાં રહેતા હોય તે કારણવગર જંગલમાં દોડાદોડ કરી વ્યાયામ કરી લે છે. આની સામે માણસને જુઓ. ખાવાપીવામાં બિલકુલ અનિયમિત છે. અમેરિકામાં વસેલા પટેલો અડદની દાળ, રીંગણાનું શાક, બાજરાના રોટલા કે રોટલી ખાઇને ઊછરે છે પણ અમેરિકા જઇ પિત્ઝા, કોકાકોલા અને જંકફૂડ ખાવા માંડે છે. મેં એક ડેન્ટિસ્ટને ૩૬ની ઉંમરે રોજ સવારે પોણો ડઝન દવાની ટીકડીઓ લેતો જોયો છે.
ફિલાડેલ્ફિયા શહેરમાં ‘ગ્રે પેન્થર’ નામનું વૃદ્ધોનું મંડળ છે, ત્યાં અમેરિકન પ્રમુખ ગયેલા. પ્રમુખના તગડા બોડીગાર્ડને ૭૨ વર્ષની મહિલા માર્ગરેટ કહાને ધક્કો મારી પાડી દીધેલો. પ્રમુખે પૂછવું પડયું ‘તું કેમ ૭૨ વર્ષે આટલી તાકાત ધરાવે છે?’ તો માર્ગરેટે કહ્યું, ‘મારી ટ્રિક સાદી છે. બની શકે ત્યાં સુધી બાળક જેવા દેખાવું. બાળકની જેમ વર્તવું. યૌવનનું પણ બાળપણ ભોગવવું. દરેક વાતમાં કુતૂહલ બતાવવું. મનને ખુલ્લું રાખવું. રમૂજવૃત્તિને પોષવી અને રમતિયાળ બનવું. બહુ એડિલ્ટશ-દોઢડાહ્યા ન થવું.’ ડો. જોન બ્રીફાએ આ પ્રકારના વર્તનને બેસ્ટ મેન્ટલ મેડિસિન કે યૌવન ટકાવવાની રામબાણ ટ્રિક કહી છે.
તેમાં જો ભૌતિક ઉપાય ઉમેરવો હોય તો ઓછું ખાઓ. તમારા બાપદાદા ખાતા હતા તે પ્રણાલિકાગત ખોરાક ખાઓ. બાપદાદા ખાંડ બિલકુલ ખાતા નહીં. ઉજાગરા કરતા નહીં. જમતી વખતે ઘાંટા પાડતા નહીં. ઊભાઊભા ખાતા નહીં. સવારથી સાંજ સુધી શારીરિક શ્રમ કરતા. આમ કરો તો સદાકાળ યુવાન રહી શકો. તમારી સર્જનશકિત અને વિચારવાની શકિત ખીલશે.
બરટ્રાન્ડ રસેલે તેનું છેલ્લું પુસ્તક ૯૧ની ઉંમરે લખેલું. ‘ડોમિનેશન એન્ડ પાવર’ નામનું પુસ્તક સેન્તયાના નામના ફિલસૂફે ૮૮ની ઉંમરે લખેલું. થોમસ હોબ્સ નામના ફિલસૂફને ફિલસૂફીના લેખો લખીને કંટાળો આવ્યો ત્યારે ‘ઇલિયડ’ નામનું મહાકાવ્ય ૮૮ની ઉંમરે લખેલું. હો ચી મિન્હે જિંદગીભર ઇન્ડોચીન(આજનું વિયેતનામ) પર રાજ કરી ૯૭ની ઉંમરે પ્રાણ છોડયા ત્યારે પણ સત્તા પર હતા. ફ્રાંસના શેવરુલ ગામના જીવરસાયણશાસ્ત્રી ડો. લિયો ૧૦૨ વર્ષની વયે અખંડ તારુણ્ય માટેના ઔષધના પ્રયોગ કરતા કરતા મર્યા હતા. બ્રિટનની સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ હોમ્સ ૯૦ની વય સુધી કોર્ટમાં બિરાજતા. બ્રિટનના જજ માટે નિવૃત્તિવય જ નથી. જસ્ટિસ હોમ્સ કહેતા, ‘મને મૃત્યુ રોજ મારા કાનમાં બેસીને કહે છે, જીવો સાહેબ જીવો, પણ આનંદથી જીવો. હું તો ફુરસદે આવીશ. મને ઉતાવળ નથી. તમે ઉતાવળ ન કરતા.’

No comments:
Post a Comment