Friday, 29 July 2011

લીમડો કરાવે લહેર !!



આપણે સૌ પ્રથમ લીમડાનાં નામો અને જેમાં તેનો અર્થ સમાયેલો છે તે જોઇએ.

- નિંબ- જે ઠંડક આપે તે
- પિચુમંદ- ચામડીના રોગોનો નાશ કરે તે.
- તિકત- જેનો રસ કડવો છે.
- અરિષ્ટ- જેના સેવનથી અશુભ થતું નથી તે.
- પારીભદ્ર- જેના સેવનથી માત્ર કલ્યાણ જ થાય છે તે.
- હિંગુનિર્યાસ- જેનો ગુંદર હિંગ જેવી વાસવાળો હોય છે તે.

લીમડાને અંગ્રેજીમાં Margosa tree તેમજ લેટિન ભાષામાં Melia Azadipachta કહે છે.

પાનખર ઋતુમાં લીમડાનાં પાન ખરી ગયાં પછી ચૈત્ર મહિનામાં લીમડાને નવાં પાન આવે છે. લીમડાને સફેદ મજાનાં ફૂલો બેસે છે. ચૈત્ર માસમાં તેની કૂણી કુપળો, લીલાં તાજાં પાન અને સફેદ ફૂલોથી લીમડો લચી પડે છે એટલે જ ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન કરવાનું કહેવામાં આવે છે.

લીમડો શીતળ છે એટલે પિત્તહર છે અને જવરધ્ન એટલે તાવ મટાડનાર છે. જે લોકો લીમડાનું સેવન કરે છે. તેને ઉનાળાના તાપની બહુ અસર થતી નથી. પિત્તવૃદ્ધિ કે પિત્તપ્રકોપ થતો નથી. પરિણામે રક્તદ્રષ્ટિ થતી નથી. પરસેવો ઓછો વળે છે. ગરમી ઓછી અકળાવે છે. નાના નાના ચામડીના રોગ થતા નથી. આ રીતે તે લાભદાયી સાબિત થયો છે.

લીમડાના સેવનથી સૌથી મોટો લાભ તો તાવમાં થાય છે. ચૈત્રમાં લીમડાનાં સેવનથી આખું વર્ષ તાવ આવતો નથી. કદાચ વધુ કુપથ્ય કરાઇ ગયું હોય અને તાવ આવે તો પણ એટલું જોર પકડતો નથી. જે લોકોને દર વર્ષે નિયમિત રીતે તાવ આવતો હોય, ખાસ કરીને મલેરિયા થતો હોય તેવી વ્યક્તિઓએ ઓછામાં ઓછું સાત દિવસ લીમડાનું સેવન કરવું જોઇએ. તેનાથી લાભ થાય છે.

લીમડાના સેવનની પણ વિવિધ રીત છે. લીમડાનાં ફૂલની ચટણી બનાવી સહેજ મીઠું મેળવીને ખાવામાં આવે છે. કેટલાક લોકો માત્ર કૂણાં પાનની ચટણી બનાવી તેનું સેવન કરે છે. જો લીમડાના કૂમળાં પાનનો રસ કાઢીને પીવો હોય તો પી શકાય. રસ ચાના કપ જેટલો ભરીને પીવો જોઇએ. સ્વાદ માટે બંનેમાં થોડું મીઠું નાખી શકાય. આ પ્રયોગ ૭ થી ૧૫ દિવસ કરવો જોઇએ.

સવારે નરણે કે સાંજે ખાલી પેટ હોય ત્યારે લીમડાનું સેવન કરવાથી વિશેષ લાભ થાય છે. દિવસમાં એક જ વખત લીમડાનું સેવન કરવું. પ્રસંગોપાત વચ્ચે એકાદ બે દિવસ પડે તો વાંધો નહીં પણ ૮-૧૦ દિવસ લીમડો તો લેવો જ જોઇએ.

કેટલાક લોકોમાં એવી માન્યતા છે કે લીમડાનું સેવન કરવાથી નપુંસકતા આવે છે. જાતીય નબળાઇ આવે છે. વીર્ય સુકાઇ જાય છે વગેરે વગેરે. આ વાત ખોટી છે. સાચી હકીકત તો એ છે કે લીમડાના સેવનથી શુક્રની ગરમી દૂર થાય છે. જેથી જાતીયતા ધટવાને બદલે વધે છે. વળી લીમડો પાૈિષ્ટક પણ છે.
ચૈત્ર મહિનામાં નાના-મોટા, સ્ત્રી-પુરુષ સૌએ ઘર આંગણે થતા અને મફતમાં મળતા લીમડાનું સેવન કરી આખા વર્ષનું આરોગ્ય અકબંધ કરી લેવું જોઇએ.‘

જે લોકોને નિયમિત રીતે તાવ આવતો હોય, તેવી વ્યક્તિએ ચૈત્ર મહિનામાં ઓછામાં ઓછું સાત દિવસ લીમડાનું સેવન કરવું જોઇએ.

1 comment: