
બેંગકોકમાં પાટણ યુનિ.ના પ્રાધ્યાપકનું તજજ્ઞીય વકતવ્ય
થાઇલેન્ડના બેંગકોક ખાતે આંતરરાષ્ટ્રીય કેમેસ્ટ્રી વર્ષ નિમિત્તે તાજેતરમાં ગ્લોબલ ચેલેન્જિસમાં કેમેસ્ટ્રીની નિરાકરણરૂપ ભૂમિકા વિષય પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના અધ્યક્ષ પ્રો.જે.જે. વોરાએ તજજ્ઞીય વકતવ્ય આપ્યું હતું. જેમાં તેમણે કોબિજ અને અન્ય વનસ્પતિમાંથી મળતું વિટામીન યુ કેવી રીતે અલ્સર, કેન્સર સહિતની બીમારીઓમાં રક્ષણ આપે છે તેની ચોટદાર રજૂઆત કરી હતી.
આંતરરાષ્ટ્રીય કેમેસ્ટ્રી વર્ષ ૨૦૧૧ અન્વયે બેંગકોક (થાઇલેન્ડ) ખાતે ઇન્ડીયન કાઉન્સિલ ઓફ કેમિસ્ટસ આગ્રાની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઇ હતી. આ કોન્ફરન્સની થીમ ‘ગ્લોબલ ચેલેન્જિસ-ધ રોલ ઓફ કેમેસ્ટ્રી ઇન ગિવિંગ ધેર સોલ્યુશન્સ’ હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રો. જાબાલી વોરાએ આ કોન્ફરન્સમાં આમંત્રિત વ્યાખ્યાન આપ્યું હતું. જેનું ટાઇટલ ‘એક્ષ્પ્લોરિંગ વિટામીન-યુ’ હતું. તેમણે જણાવ્યું હતું કે, વીટામીન-યુ, કુદરતી રીતે કોબિજ તેમજ અન્ય વનસ્પતિઓમાંથી મળે છે. સ્પેશ્યલ રેડ કોબિજમાં વીટામીન-યુુનું પ્રમાણ સૌથી વધારે હોય છે.
એશિયા અને ભારતમાં અંદાજે ૫૦%થી વધારે વ્યક્તિઓ ઓછા અથવા વધારે પ્રમાણમાં અલ્સરની બીમારીથી પીડાય છે. આ બીમારી ઓછી માત્રામાં હોય ત્યારે વ્યક્તિને ખ્યાલ આવતો નથી. જો વિટામીન-યુ અથવા કાચી કોબિજ અથવા તેનો જયુસ નિયમિત રીતે રોજ બે વાર લેવામાં આવે તો ૧૦થી ૧૨ દિવસમાં ઓછાથી મધ્યમ અલ્સરની તકલીફવાળા પેશન્ટને અન્ય કોઇ દવા વગર અલ્સર મટી શકે છે.
વિટામીન-યુ અલ્સર ઉપરાંત કેટલાક કેન્સર, સલ્ફાઇટ, સેલિનીયમ ટોક્ષીસિટી સામે રક્ષણ આપે છે, ખરાબ ચરબી ઘટાડવા તેમજ સારી ચરબીની જાળવણી કરવા, કેટલીક માનસીક બીમારીઓ સામે રક્ષણ વગેરે માટે પણ ઉપયોગી માલુમ પડ્યું છે. પ્રોફેસર વોરાએ આ વિટામીન-યુના પોતાની લેબોરેટરીમાં કરેલા વિશ્લેક્ષણ તેમજ સંકીર્ણ સંયોજનોના અભ્યાસની વિસ્તૃત ચર્ચા થાઇલેન્ડની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં કરી હતી.
No comments:
Post a Comment