Friday, 22 July 2011

શું તમને પણ વારંવાર ભૂલી જવાની બીમારી છે?

ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કોલેસ્ટરોલ આ ત્રણેય બાબતો યાદશક્તિમાં ઘટાડો કરે છે

અમુક વસ્તુ અમુક સમયે ભૂલી જવી તે સામાન્ય છે, પણ જ્યારે ઉંમર વધે પછી આપણે આવી યાદશક્તિની તકલીફથી વધુ ચિંતિત રહીએ છીએ.

સામાન્ય લક્ષણો:
ક્યારેક એપોઇન્ટમેન્ટ્સ ભૂલી જવી, હમણાં કરેલી વાતચીત કે વાંચેલું યાદ ન રહેવું. ક્યારેક અચાનક ધ્યાનભંગ થવો. ‘હૈયે છે પણ હોઠે નથી’ તેવી લાગણી થવી. ચાવી, ચશ્માં, પર્સ ભૂલી જવું. ક્યારેક નામ ભૂલી જવાં.
ઉપરનાં મોટાભાગનાં ઉદાહરણ સામાન્ય સંજોગોમાં દરેકની સાથે બનતાં હોય છે, એટલે એ કોઇ મોટી બીમારી ન કહી શકાય.

યાદશક્તિની બીમારી ક્યારે કહેવાય?
બિલ ચૂકવવું, કપડાં પહેરવાં, સાફ-સફાઇ રાખવી જેવી રોજબરોજની વસ્તુમાં વારંવાર ભૂલ થવી. જે ઘટના ભૂલી જવાય છે તે યાદ નથી આવતી. જાણીતી જગ્યામાં પણ ભૂલા પડી જવું. વાતચીતમાં શબ્દો ન જડવા, ખોટા શબ્દોનો ઉપયોગ, વારંવાર એકની એક વાતનું પુનરાવર્તન. જજમેન્ટ ન આવવું. તમારું સ્વાસ્થ્ય, વાતાવરણ અને જીવનશૈલી યાદશક્તિમાં મહત્વનો ભાગ ભજવે છે. આમ છતાં કેટલાંક એવાં કારણો છે કે જેની સારવાર લેવાથી યાદશક્તિ સતેજ બની શકે છે જેમ કે-
-ડિપ્રેશન: હતાશા, બેચેની, કોન્સન્ટ્રેટ ન થઇ શકવું, અનિદ્રા વગેરે યાદશક્તિમાં ઘટાડો કરે છે.
-વિટામિન ‘બી-૧૨’ની ઊણપ: વિટામિન ‘બી-૧૨’ મગજના કોષોને પોષણ પૂરું પાડે છે. ક્યારેક તો -બી-૧૨’ની ઊણપ કાયમી યાદશક્તિની તકલીફ કરી શકે.
-થાઇરોઇડ: થાઇરોઇડ ગ્રંથિ શરીરના ચયાપચયને કંટ્રોલ કરે છે. થાઇરોઇડ હોર્મોન્સમાં વધઘટ યાદશક્તિને અસર કરી શકે.
-દારૂનું વ્યસન: વધુ પડતું દારૂનું સેવન મગજના કોષોને નુકસાન કરી શકે છે અને યાદશક્તિ નષ્ટ કરે છે.
-દવાઓની આડઅસર: શરદી, ઊંઘ, બ્લડપ્રેશર, પેઇનકિલર વગેરે દવાઓ યાદશક્તિને અસર કરે છે.
-ડિહાયડ્રેશન: શરીરમાં પાણી અને ઇલેકટ્રોલાઇટનું અસંતુલન યાદશક્તિ ઉપર અસર પાડી શકે છે.
સારવાર
-કસરત: જોગિંગ, સ્વિમિંગ, વોકિંગથી મગજની અંદર નવા કોષોનું સર્જન થાય છે. તેનાથી ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કોલેસ્ટરોલ પણ કંટ્રોલમાં
રહે છે.
-ઊંઘ: દરરોજની ૬ થી ૮ કલાકની ઊંઘ જરૂરી છે. ઊંઘમાં આપણી મેમરીનું પ્રોસેસિંગ અને સ્ટોરિંગ થાય છે કે જે ફરી વખત કોઇ વસ્તુ યાદ કરવામાં મદદરૂપ બને છે.
-વ્યસન: તમાકુ, બીડી, દારૂ કે કોઇપણ પ્રકાનાં વ્યસન બંધ કરવાં.
-આહાર: ખોરાકમાં પૂરતા પ્રમાણમાં લીલાં શાકભાજી, કઠોળ, ફ્રૂટ્સ લો. ચરબીજન્ય ખોરાકનો ત્યાગ કરો.
-સામાજિક મળતાવડાપણું: મિત્રો, કુટુંબીજનો, સહાધ્યાયીઓને મળતા રહો. કોઇ શોખ વિકસાવો જેથી તમારું મગજ સતત કાર્યરત રહે.

No comments:

Post a Comment