Friday, 22 July 2011

સતત સતાવતી ખાંસીનો આ રહ્યો અક્સિર ઈલાજ



ખાંસીના દર્દી માટે કોઇપણ તેલ ખાવું સારું નથી. એમાં પણ ખાસ કરીને સીંગતેલ. વિકલ્પ તરીકે તલનું તેલ લઇ શકાય.

પ૮ વર્ષના સુરેશભાઇને પંદર વર્ષથી ખાંસીની સમસ્યા હતી. ઘણા ઉપચારો કર્યા. રાહત રહે પણ ખાંસી મટે નહીં. રિપોર્ટ પણ નોર્મલ આવે. નાડી-પ્રકૃતિ વગેરેની તપાસ કરતા આયુર્વેદિક નિદાન કર્યું-પિત્તજ કાસ. કાસ એટલે ખાંસી. સૌથી પહેલાં તો સુરેશભાઇ ઘણા સમયથી રાત્રે ગંઠોડા ફાકતા. એ બંધ કરાવ્યા. ગંઠોડા ઉષ્ણ છે જે પિત્તને વધારે છે. અમ્લપિતાંતક: અમ્લપિતાંતક યોગમાં કપદિકભસ્મ-એક ભાગ, સોડાબાયકાર્બ-એક ભાગ, શુકતભસ્મ-એક ભાગ, કપૂરકાચલી-એકભાગ, જેઠીમધ-બે ભાગ, ઘટક દ્રવ્યો તરીકે લેવામાં આવે છે.

આ ઔષધ યોગ સામાન્ય રીતે અમે એસિડીટી માટે ઉપયોગમાં લઇએ છીએ, પણ અહીં લાંબા સમયની ખાંસીમાં પિત્ત મુખ્ય કારણ હોઈ આ ઔષધ યોગ આપવામાં આવ્યો. ખાંસીનો વેગ ઓછો થવા લાગ્યો. એરંડભ્રષ્ટ હરિતકીચૂર્ણ : આ ઔષધ યોગમાં હિમેજને દિવેલમાં તળવામાં આવે છે અને તેનો પાઉડર બનાવવામાં આવે છે.

રાત્રે સૂતી વખતે એક ચમચી આ ઔષધ યોગ લેવાથી પેટ સાફ થાય છે. પિત્તનું મળમાર્ગે નહિeરણ થતાં ખાંસી ઝડપથી મટે છે. જેઠીમધ અને બહેડાને આયુર્વેદની રસક્રિયા પદ્ધતિથી ગોળી બનાવવામાં આવે છે. દિવસ દરમિયાન ત્રણથી ચાર ગોળી મોંમાં રાખી મમળાવવી. તેનાથી ખાંસી નિયંત્રિત થશે.

આહાર : ખાંસીના દર્દી માટે કોઇપણ તેલ ખાવું સારું નથી. એમાં પણ ખાસ કરીને સીંગતેલ. વિકલ્પ તરીકે તલનું તેલ લઇ શકાય. જોકે ખાંસીના દર્દીઓ તેમના માટેનાં શાકભાજી, દાળ વગેરેમાં ગાયના ઘીનો વઘાર કરીને લે તો પિત્તની ખાંસી ઝડપથી મટે છે. ખારીસીંગ, મસાલાસીંગ, સીંગના ભુજિયા, શેકેલી-બાફેલી સીંગ ખાંસીના દર્દીઓએ ખાવા નહીં. વેજિટેબલ ઘી કે જે તેલમાંથી બનતું હોય છે. તેમાં વપરાતા રસાયણો ગળામાં ઇરિટેશન પેદા કરે છે અને ખાંસી મટવા દેતા નથી. વેજિટેબલ ઘીના વધારે પડતા ઉપયોગથી અવાજ બેસી જાય છે.

ફાસ્ટફૂડ, જંકફૂડ, સ્ટેલફૂડ (વાસી ખોરાક) સંપૂર્ણ બંધ કરવા. તેમાં વપરાતા તેલ અને ગરમ મસાલા પિત્તને વધારે ઉત્તેજિત કરી ખાંસીને મટવા દેતા નથી. ફ્રજિમાં કે ડીપફ્રજિમાં મૂકેલી વાસી ખાદ્યચીજો ન ખાવી. તાજાં લીલાં શાકભાજી, ફ્રૂટ્સ, ગાયનું દૂધ, ગાયનું ઘી, ભાત, રોટલી લઇ શકાય. ટામેટા જ્યારે પચે છે ત્યારે અમ્લ બને છે. જે પિત્તને વધારીને ખાંસી મટવા દેતા નથી. એટલે તેમાંથી બનતી ચીજો જેમ કે સલાડ, સોર્સ, સૂપ, કેચપ ન ખાવા.
જીવનશૈલી: ખાંસીને કારણે દર્દીને રાત્રે ઊંઘમાં ખલેલ પહોંચે છે. જેને કારણે ઊંઘ પૂરી નથી થતી.

એટલે તેમને દિવસની ઊંઘ દોષકારક નથી બનતી. વધારે પડતી મહેનત, વધારે પડતું દોડવું-કૂદવું, એરોબિકસ, જોગિંગ વગેરે ખાંસીનું દર્દ ન મટે ત્યાં સુધી ન કરવા. હળવી કસરત, યોગાસન, ચાલવું, પ્રાણાયામ કરી શકાય. ધૂળવાળા રસ્તે વાહન ચલાવવાનું ટાળવું, બહેનોએ ઝાપટ-ઝૂપટ કે રજ ખંખેરવાનું કામ ન કરવું.

ખાંસીના દર્દીએ ઓશિકાના કવર, ચાદર, ગાદલાના કવર અવારનવાર ધોવડાવી નાખવા. ઝાડા-પેશાબની હાજતને રોકવી નહીં. ખાંસ થવા માટેના કારણો દરેક વ્યક્તિમાં અલગ-અલગ હોઇ શકે છે. એટલે કોઇ એક ઉપચાર બીજી વ્યક્તિના કેસમાં ઉપયોગી થશે એવું માની લેવું ભૂલ ભરેલું છે.

જેમ કે પિત્તના કેસમાં ગરમ ઉપચારો જેવા કે ગંઠોડા, ફુદિનો, આદું વગેરે આવા સાદા ઉપચારોથી પણ ખાંસી વધી શકે છે. એટલે જ નિર્દોષ લાગતી ખાંસીની ગોળીઓ કે સીરપ તમારા નજીકના આયુર્વેદિક કન્સલ્ટન્ટને બતાવ્યા વગર ન જ લેવાં. ‘

No comments:

Post a Comment