ભાવનગરમાં છેલ્લા દોઢ દાયકામાં જીવનશૈલીમાં જે પરિવર્તન આવ્યુ છે તેમ તેમ શહેરની યુવતીઓ વધુને વધુ મેદસ્વીતા તરફ ધકેલાઈ રહી છે. આમ તો, શહેરના લોકો વધુને વધુ જાડા થઈ રહ્યાં છે અને તેમાંય યુવતીઓ આ સ્પર્ધામાં આગળ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં જણાવ્યા મુજબ ગુજરાતની ૩૨ ટકા શહેરી મહિલાઓ અને યુવતીઓ ‘ઓવર વેઈટ’ છે. પોતાના ફિગર પ્રત્યે વધુ સભાન રહેતી યુવતીઓ કેમ મેદસ્વી થઈ રહી છે! એવું પણ નથી કે શહેરી યુવકો ફીટ છે તેમાં પણ ઓવર વેઈટની સમસ્યા છે જ. જોકે આ પ્રમાણ ૨૪ ટકાનું છે.
ભાવનગર જેવા શહેરમાં યુવતીઓ હવે શેરીના નાકે શાક લેવા જવું હોય તો પણ સ્કૂટી કે એક્ટિવાનો ઉપયોગ કરતી થઈ ગઈ છે. લેડઝિ સાયકલ ભૂતકાળ બની રહી છે. આથી યુવતીઓ ઓબેસીટી તરફ ધકેલાઈ રહી છે. આજે શહેરી યુવતીઓની ફાસ્ટ લાઈફમાં ફાસ્ટફુડનું ચલણ ઘર કરી ગયું છે. ખાસ કરીને વીક એન્ડમાં ગુજરાતી ભાણા કે ઘરની રસોઈને બદલે પંજાબી, ચાઈનીઝ, સાઉથ ઈન્ડીયન ખાણું બહાર જઈને ખાવાનું ચલણ છેલ્લાં દોઢ દાયકામાં વધ્યું છે.
આ અંગે ડૉ.ભરતભાઈ શર્માએ જણાવ્યું હતું કે આજે યુવતીઓ પૌષ્ટિક આહાર લેવાને બદલે ફાસ્ટફૂડ ભણી વળી છે, કસરતનું પ્રમાણ પણ ઘટયું છે. વળી, ઘરમાં જે કામકાજ યુવતી જાતે કરતી તેના બદલે હવે કપડા ધોવા માટે વોશિંગ મશીન, ડશિ ધોવા કે કચરા કાઢવાના મશીન આવી ગયા છે. તો દાદરા ચડ-ઉતર કરવાને બદલે લિફ્ટ આવી ગઈ છે અને ઘરની વસ્તુઓ લેવા-મુકવા જવા માટે સ્કૂટર આવી ગયા છે. આ કારણો છે જેથી યુવતીઓ મેદસ્વી થઈ રહી છે.
છેલ્લાં દોઢ દાયકામાં ભાવનગરની લાઈફ સ્ટાઈલ અને ફૂડ કલ્ચરમાં જબ્બર પરિવર્તન આવી ગયું છે. ગ્લોબલાઈઝેશન થયેલી જીવનશૈલીમાં ફાસ્ટફૂડ ખાવાનું પ્રમાણ વધી ગયું છે. આજે ફુલ્લી ચીઝ અને હાઈ કેલેરીવાળો ખોરાક ભાવેણાની યુવતીઓ ખાતી થઈ ગઈ છે તેની સામે ઘરનું કામ કરવાનું કે પગપાળા ચાલવાનું સાવ ઘટી ગયું છે.
હવે તો ઘરમાં પણ ફાસ્ટ ફૂડે પગપેસારો કર્યો છે. ટેસ્ટી ખાવાની શોખીન યુવતીઓ ઘરે પણ ખોરાકમાં વધુને વધુ ચીઝ, ઓઈલ, મસાલાનો ઉપયોગ કરતી થઈ ગઈ છે. આથી ચરબીના થર વધતા જાય છે.
ટૂંકમાં યુવતીઓની સુંદરતા દર્શાવતું પાતળાપણું ઘટતું જતું હોય પાતળા કરવાના ઉદ્યોગો અને દવાના ધંધો દિન-પ્રતિદિન વિકસી રહ્યાં છે.
મેદસ્વીતાથી બચવાના ઉપાયો –
- શરીરનું વજન વધતું જણાય તો રોજ એક કલાક કસરત માટે ફાળવો
- ફાસ્ટફૂડ, જંકફૂડ, ટેસ્ટી, તળેલું અને બહારનું ખાવાનું ટાળો
- વધુ પડતો ખોરાક લેવાને બદલે થોડું ઓછું ખાવાનું રાખો
- દિવસમાં બે જ વાર જમવાનું રાખો, વધારાના નાસ્તાને ટાળો
- જમવાની ડશિમાં સલાડનું પ્રમાણ વધારો
- રાત્રે જમવા અને સૂવાની વચ્ચે ત્રણ કલાકનો ગાળો રાખો
- કોલ્ડિંડ્રકસને બદલે લીંબુ પાણી કે નાળિયેર પાણી પીવો
- કિટી પાર્ટીમાં ગળ્યું, તીખું, સિગારેટ કે અન્ય વ્યસનથી દૂર રહો
ઓવર વેઈટ અને તેના પરિણામ -
ઓવર વેઈટથી પુરૂષોમાં પેટના ભાગે ચરબીના થર જામે છે જ્યારે તેની સરખામણીમાં સ્ત્રીઓમાં બ્રેસ્ટના ભાગે, કમરના ભાગે વધુ ચરબીના થર જામે છે. જો મેદસ્વીતાને તત્કાલ ઘટાડવામાં ન આવે તો કોલેસ્ટ્રોલ વધે છે જે હૃદયરોગને આમંત્રી શકે છે. યુવતીઓમાં માસિકચક્રમાં હોર્મોન્સના વધારા-ઘટાડાથી પણ વજન વધે છે જ્યારે ટીનએજર યુવતીઓમાં પીસી ઓડી નામનો રોગ થઈ શકે છે. કેટલીક વખત વધુ વજનવાળી યુવતીઓ સ્ટ્રેસનો અનુભવ કરે છે અને તેમાં વધુ ખોરાક લેતો થઈ જાય છે.
No comments:
Post a Comment