Thursday, 1 September 2011

રાત્રિની ઓછી ઊંઘ તમારા હૃદય માટે જોખમી

મહિલાઓની સરખામણીમાં પુરુષો ગાઢ નિદ્રામાં સૂઈ શકતા નથી અને તેને કારણે તેમના પર હૃદયરોગ અને હાઈ બ્લડપ્રેશરનું જોખમ રહે છે. આ સંશોધન કરનાર હાર્વર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ એમ પણ જણાવ્યું છે કે, રાત્રિની ઊંઘ દરમિયાન પુરુષો- ક્યારેક તેમનાં નસકોરાંથી કે બીજી કોઈ રીતે જાગી જતા હોય છે અને તે ઉપરાંત અન્ય કારણોસર પણ તેમની ઊંઘમાં ખલેલ પડતી હોય છે. આ સ્થિતિને ‘સ્લો વેવ સ્લિપ’ કહેવામાં આવે છે.

સંશોધકોના જણાવ્યા અનુસાર જે પુરુષોને આવી સ્થિતિનો શિકાર હોય તેમને હાઈ બ્લડપ્રેશર થવાનું જોખમ વધુ રહે છે જેને પગલે છેવટે હૃદય રોગનો હુમલો અથવા લકવા થઈ શકે છે. ૬૫ વર્ષ કરતાં વધુ ઉંમરના ૭૮૪ પુરુષો પર કરવામાં આવેલા આ અભ્યાસની વિગતો અમેરિકન હાર્ટ એસોસિયેશન સામિયકમાં પ્રકાશિત કરવામાં આવી છે. અભ્યાસ દરમિયાન સંશોધકોએ આ પુરુષોની ઊંઘની ગુણવત્તા, નિદ્રાવસ્થા દરમિયાન મગજની પ્રવૃત્તિનું સ્તર તથા તેઓ કેટલી વાર જાગી જાય છે- જેવી બાબતો ધ્યાનમાં લીધી હતી.

આ અભ્યાસના આધારે સંશોધકોએ શોધી કાઢયું કે ગાઢ નિદ્રા નહિ લઈ શકતા ૮૦ ટકા પુરુષોને હાઈ બ્લડપ્રેશર થવાની સૌથી વધુ શક્યતા રહેતી હતી. સરેરાશ ૧૫ ટકાની સરખામણીમાં આ પુરુષો તેમની કુલ ઊંઘનો માત્ર ચાર ટકા સમય ગાઢ નિદ્રા લઈ શકતા હતા.

મુખ્ય સંશોધક સુસાન રેડલાઈને કહ્યું કે, અમારા અભ્યાસ દ્વારા પ્રથમ વખત સાબિત થયું છે કે સ્લો વેવ સ્લીપનો ભોગ બનેલા પુરુષોમાં હાઈ બ્લડપ્રેશર થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. આ અભ્યાસમાં મહિલાઓને સામેલ કરવામાં નહોતી આવી, પરંતુ સંશોધનથી એટલું તો સાબિત થયું છે કે જે લોકો પૂરતી માત્રામાં ગાઢ નિદ્રા નથી લઈ શકતા તેમને હાઈ બ્લડપ્રેશર થવાની શક્યતા વધુ રહે છે. અલબત્ત, આ તારણોને વધારે ચકાસવા માટે અમારે અન્ય વયજુથના લોકો પર અભ્યાસ કરવો પડશે તેમ બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનનાં નતાશા સ્ટુવટેં ઉમેર્યું હતું.

No comments:

Post a Comment