Wednesday, 3 August 2011

કાજલથી ભરેલી આંખોનું સૌંદર્ય



સુંદર ચહેરો, મોટી-મોટી આંખો અને તેમાં લગાવેલું કાજલ. આવી આંખોને જો કોઈ જુએ, એ જોતો જ રહી જાય છે. શાળા, કોલેજથી માંડીને ઓફિસ સુધી ફરી એક વખત કાજલવાળી આંખોની ફેશન પાછી આવી છે.

કહેવાય છે ને કે ચહેરો દિલનો આયનો હોય છે. ચહેરામાં પણ આંખો વ્યક્તિત્વ જાણવામાં મહત્વનો ભાગ ભજવતી હોય છે. આવા સંજોગોમાં સામેવાળાની આંખોમાં જો કાજલ લાગેલું હોય તો વાત વધુ નિરાળી બની જાય છે. આજે દરેક યુવતીની આંખો કાજલવાળી જોવા મળે છે. પહેલાં બીજાની ખરાબ નજરથી બચવા માટે કાજલ લગાવાતું હતું અને આજે તેણે હવે ફેશનનું સ્વરૂપ ધારણ કર્યું છે.

કાજલવાળી આંખો કોને સુંદર નથી લાગતી હોતી. ખરાબ નજરથી બચાવનારું કાજલ હવે આંખોની સુંદરતા પણ વધારી રહ્યું છે. ચાલો... જાણીએ કાજલથી આંખોને સુંદર રૂપ આપવાના કેટલાક ફંડા...

આવી રીતે લગાવો કાજલ
- કાજલને આંગળીઓના આગળના ભાગથી આંખોની નીચેની પાંપણ પર લગાવવામાં આવે છે, પરંતુ તેને ઉપરની પાંપણમાં પણ લગાવવામાં આવે તો તેનાથી તમારા ચહેરા પર રોનક આવી જાય છે.
- કાજલ લગાવતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે આંખોની શરૂઆતથી મધ્ય ભાગ સુધી આછું કાજલ જ લગાવો. ત્યાર પછીના ભાગમાં ઘાટું કાજલ લગાવો. તેનાથી તમારી આંખોને સોફ્ટ લૂક મળશે અને મોટી પણ દેખાશે.

રૂ. 1૦થી રૂ.5૦૦ સુધીનું કાજલ
બજારમાં વિવિધ કંપનીઓનું કાજલ મળે છે, જેની કિંમત રૂ.1૦થી માંડીને રૂ.5૦૦ સુધીની છે. ફેશનમાં પેન્સિલ કાજલ સૌથી વધુ લોકપ્રિય છે. જો તમે ઇચ્છો તો ઘરમાં પણ કાજલ બનાવી શકો છો. આમ તો બજારમાં કાજલ અનેક સ્વરૂપમાં મળે છે. કાજલનો ઉપયોગ તમે તમારી સુવિધા અનુસાર પેન્સિલ, લિક્વિડ અને સોલિડ જેવાં સ્વરૂપમાં ખરીદી શકો છો.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
- કાજલ લગાવતાં પહેલાં આંખો સહિત આખા ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો.
- જો કાજલ લગાવતાં પહેલાં તમને એવું લાગે કે તમારી આંખોની ચારેય બાજુ ડ્રાયનેસ છે તો એવા સંજોગોમાં તેની ચારેય બાજુ મોઈશ્વરાઈઝર લગાવીને જ કાજલ લગાવો.
- કાજલને તમારી આંખોની લંબાઈ અનુસાર જ લગાવો.
- કાજલ આંખોની વધુ બહાર ન નીકળી જાય કે પછી વચ્ચે ક્યાંક છુટી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખો.
- કાજલ લગાવતાં પહેલાં તેને ફ્રિઝમાં મૂકીને ઠંડું કરી નાખો. તેનાથી તમારી આંખોને ઠંડકની સાથે જ તાજગીનો અનુભવ થશે.
- શરીરમાં ગરમીને કારણે કાજલમાં રહેલું વેકસ, કાર્બન સાથે પ્રતિક્રિયા કરે છે અને કાજલ ફેલાઈ જાય છે. તમારી સાથે એક અરીસો રાખો, જેથી તમે બહાર ફેલાયેલા કાજલને સાફ કરી શકશો.

No comments:

Post a Comment