Friday, 22 July 2011

પરફેક્ટ ચાની ફોર્મ્યુંલા

તમે સવારની ચા કેવી રીતે બનાવો છો? વેલ, વિજ્ઞાનીઓએ આદર્શ ચાની ગાણિતિક ફોર્મ્યુંલા વિકસાવી છે, જે અનુસાર ચાને બનાવ્યા પછી બરાબર છ મિનિટે પીવામાં આવે તો તે શ્રેષ્ઠ હોય છે.યુકેમાંની યુનિવર્સિટી ઓફ નોર્થુમ્બ્રિયાના સંશોધકો અનુસાર ચાને ઉકાળવાનો મહત્તમ સમય બે મિનિટ છે અને દૂધનું આદર્શ પ્રમાણ ૧૦ મીલી છે. તેઓનું કહેવું છે કે છ મિનિટ પછી ચા પીવાનું પરફેક્ટ તાપમાન ૬૦ ડિગ્રી સેન્ટિગ્રેડ મેળવી શકાય છે, પરંતુ ૧૭ મિનિટ અને ૩૦ સેકન્ડ પછી ચા તેનો શ્રેષ્ઠ સ્વાદ ગુમાવે છે, કારણ કે તે ૪૫ ડિગ્રી સેન્ટિગ્રેડની નીચે જાય છે.

ફોર્મ્યુંલા નક્કી કરવા માટે ટીમે પ્રયોગશાળામાં ૧૮૦ કલાક ટેસ્ટિંગ કર્યું હતું અને સ્વયંસેવકોની પેનલે ૨૮૫ કપ ચા પીધી હતી. મુખ્ય સંશોધક ઈયાન બ્રાઉને જણાવ્યું હતું કે ચાના જટિલ ટેસ્ટે તેને આટલી બધી લોકપ્રિય બનાવી છે. ચાના સ્વાદમાં દૂધનું પ્રમાણ અને ઊકળવાનો સમય મહત્વનાં પરબિળો છે.

તેઓનાં પરિણામોએ દર્શાવ્યું હતું કે આપણી એક કપ ચા માટે ૧૦ મીલી દૂધ યોગ્ય છે. આટલી માત્રામાંનું દૂધ કુદરતી કડવાશને સંતુલિત કરવાની ક્ષમતા ધરાવે છે અને સ્વાદની સુંવાળી અનુભૂતિ કરાવે છે. ચાની ઉકાળવાની પ્રક્રિયાને પરફેક્ટ બનાવ્યા બાદ બ્રાઉન અને તેમની ટીમે એ ચકાસ્યું હતું કે આપણે કેટલા લાંબા સમય સુધી ચાની મજા માણી શકીએ છીએ. તેઓને જણાયું હતું કે બ્રિટિશ ચા ૧૭ મિનિટ અને ૩૦ સેકન્ડનું આયુષ્ય ધરાવે છે.

ત્યારબાદ ચાનું તાપમાન ૪૫ ડિગ્રી સેન્ટિગ્રેડથી નીચું જતું રહે છે, જે સવાઁગી સંવેદનાત્મક અનુભવ માટે પૂરતી ગરમ નથી. બ્રાઉને જણાવ્યું હતું કે ચા પીવા માટેનું મહત્તમ તાપમાન ૬૦ ડિગ્રી સેન્ટિગ્રેડ છે. દૂધ સાથેની આપણી ચા બ્લેક ટી કરતાં બે મિનિટ ઝડપી એટલે કે છ મિનિટ બાદ મહત્તમ તાપમાને પહોંચે છે.

No comments:

Post a Comment